આજે CAA ના વિરોધમાં લેફ્ટ પાર્ટી સહિત અનેક પક્ષો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ હતું. જેની અસર સુરતમાં તો નહીવત જોવા મળી હતી પણ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. ભારત બંધના એલાન બાદ સુરતમાં પણ અનેક સ્થળો પર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત વહેલી સવારથી ગોઠવી દેવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને માહોલ ઉગ્ર બનતા અટકાવવા માટે સવારે આઠ વાગ્યાથી શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સુરત પોલીસ અને એસઆરપીની ટૂકડી તૈનાત કરી દેવામાં આવી હતી.
સુરતના પોલીસ કમિશ્નર આર.બી બ્રહ્મભટ્ટે જણાવ્યું હતુ કે શહેરની સ્થિતિ સામાન્ય છે. પરંતુ, કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રૂપે પોલીસ તૈનાત કરવામાં આવી છે અને લોકોને શાંતીની અપીલ કરવામાં આવી છે કે કોઈપણ અફવાઓ ઉપર ધ્યાન નહી આપે અશાંતિ બનાવી રાખે.