પાંડેસરા ખાતે આવેલી રામેશ્વરમ સોસાયટીમાં 2 દિવસ અગાઉ 5થી 6 જેટલા ઈસમોએ સમી સાંજે ઘુસી વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. ઘટનાના પગલે સોસાયટીના લોકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો. ઘટના બાદ પાંડેસરા પોલીસે અજાણ્યા શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી.
વાહનોમાં તોડફોડ કરનાર 5 જેટલા આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી આનંદ સોમજી વાડીલે, અજય ઉર્ફે આબિયા રાજેન્દ્ર ખાલાને, ક્રિષ્ના ઉર્ફે શ્યાનાં સુરેશ સૂર્યવંશી, ગોપાલ હીરાલાલ બિલાડે તેમજ નવીન ઉર્ફે લંબુ હીરાલાલ મહાજનની પુછપરછ કરતા જાણવા મળ્યું કે જે ઈસમો સાથે તેઓનો ઝઘડો થયો હતો.
આ શખ્સો વિષ્ણુ નગર, મારુતી નગર અને ગીતાનગર સોસાયટીમાં રહે છે. તેવી શંકા હતી. જેથી ત્રણેય સોસાયટીમાં ફોર વ્હીલ કાર,ઓટો રીક્ષા સહિત ટુ- વ્હીલર મળી એકવીસ જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી. પોતાનો પ્રભાવ પ્રસ્થાપિત કરવા અને લોકોમાં પોતાની ભય પ્રત્યેની છાપ ઉભી કરવા આરોપીઓએ દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જ્યાં પોલીસે હાલ પાંચેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.