સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ખાસ ગુલદસ્તો ભેટ કરવામાં આવશે. 35 દિવસની મહેનત બાદ આ બુકેમાં ટેકનિકલ ટેક્સટાઇલની મદદથી સાચા ફૂલો જેવી સુગંધ ઉમેરવામાં આવી છે. 29 રાજ્યોના અલગ અલગ કાપડમાંથી આ ખાસ બુકે તૈયાર કરવામાં આવ્યો છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કરવામાં આવશે.
બુકેમાં પરંપરાગત કાપડનો સમાવેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગનું ઉદઘાટન કરવા સુરત આવી રહ્યા છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ પણ છે. આ ઉત્સાહ આ બુકેના માધ્યમથી ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દર્શાવી રહ્યા છે. બનારસી સિલ્ક (ઉત્તર પ્રદેશ), ચામા સિલ્ક (છત્તીસગઢ), ચંદેરી (મધ્યપ્રદેશ), બાંધણી (ગુજરાત), ઇકત (તેલંગાણા), બનાના ફેબ્રિક (આંધ્રપ્રદેશ), કલમકરી (જમ્મુ અને કાશ્મીર), કસાવુ (કેરળ), ઇકત (પશ્ચિમ બંગાળ), ચિકનકારી (ઉત્તર પ્રદેશ), સંબલપુરી સાડી (ઓરિસ્સા), મુગા સિલ્ક (આસામ) વગેરે કાપડને તેમાં સમાવવામાં આવ્યાં છે. તેમાંથી અસલી ફૂલોની મહેંક પણ આવે છે
વિદ્યાર્થીઓની ટીમ દ્વારા આ કાપડમાંથી તૈયાર ગુલદસ્તો બનાવવામાં આવ્યો છે. તેની અંદર 29 રાજ્યોના પરંપરાગત કાપડનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાક કાપડ સુરતમાં મળી ગયા હતાં જ્યારે અન્ય કાપડ જે તે રાજ્યમાંથી મંગાવવામાં આવ્યા છે. ભારતીય પરંપરા અને સંસ્કૃતિની ઓળખ આપવા માટે આ ગુલદસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. ટેક્સટાઇલની મદદથી અસલ ફૂલોની સુગંધ આની અંદર આવે છે...અંકિતા ગોયલ ( સંચાલક )
કુશળતાપૂર્વક અલગ અલગ કાપડનું મિશ્રણ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વાઇબ્રન્ટ બાંધણીથી લઈને હૈદરાબાદની પંચમપલ્લી સુધી જે ફેબ્રિક વપરાય છે તે રંગો અને ટેક્સચરની સુંદરતા આ બુકેમાં જોવા મળે છે. વિદ્યાર્થીઓએ કુશળતાપૂર્વક અલગ અલગ કાપડનું મિશ્રણ કર્યું હતું અને ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઓળખ આ એક બુકેમાં જોવા મળે તે રીતે તૈયાર કર્યું છે.