આ પત્રને કારણે મુખ્યપ્રધાન કાર્યાલયે તંત્રને આદેશ આપ્યો છે કે, આ મુદ્દે જલ્દી કાર્યવાહી કરવામાં આવે. તેથી સોસાયટીના લોકોને એક બેઠક માટે સુરત પાલિકાના કમિશ્નરે તેડુ આપ્યું છે. આ બેઠકમાં ન્યાયિક ઉકેલ લાવી સુલેહ કર્યાનો રિપોર્ટ પણ મુખ્યપ્રધાન સહિત PMO ઓફિસને સુપ્રત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજ્યમાં એક તરફ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યાં બીજી તરફ સુરતના મોટા વરાછામાં સ્થાનિક સોસાયટીના લોકોને પાણીની મીટર પ્રથા અમલી કરાવવા પાલિકાએ બેરોકટોક 600 રૂપિયાથી લઈ 2 લાખ સુધીના પાણીના બીલ આપ્યા છે. જેની સામે લોકોનો રોષ ચોથા આસમાને છે. પાણીની મીટર પ્રથા બંધ કરવા અને બેફામ ફાળવવામાં આવેલ બેગણા પાણીના બિલમાં ઘટાડો કરવાની માગ સાથે સોસાયટીના લોકો છેલ્લા બે વર્ષથી "જળ માટે જંગ, મીટર પ્રથા બંધ" થકી ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.
આ પહેલા પણ ગુજરાત કિસાન સંઘ મોરચાના નેતુત્વ હેઠળ સોસાયટીની મહિલાઓ સહિત પુરુષોએ પાણીના બીલની હોળી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું ન હતું. આખરે છેલ્લી ઘડી સુધી લડી લેવાનો મૂડ સોસાયટીવાસીઓ દ્વારા બનાવવામાં આવ્યો અને આ અંગેની રજુઆત PMO ઓફિસથી લઇ રાજ્યના મુખ્યપ્રધાન સુધી કરવામાં આવી હતી.
ગુજરાત કિસાન મોરચા સંઘના પ્રમુખ પ્રકાશ વેકરિયા રાજ્યના મુખ્યપ્રધાનને આત્મવિલોપનની ચીમકીભર્યો પત્ર પાઠવવામાં આવ્યો હતો. આ પત્ર બાદ PMO અને રાજ્ય મુખ્યપ્રધાન કાર્યાલય એકાએક હરકતમાં આવ્યું અને તાત્કાલિક ફરિયાદીની સમસ્યા પર યોગ્ય નિકાલ લાવવા આદેશ કરાયો છે. ત્યારે આ બેઠકમાં સોસાયટીના લોકોની સમસ્યા અંગે નિરાકરણ આવે છે કે, માત્ર ધરમના નામે ધીંગાણા જેવી સ્થિતિ થાય છે તે જોવું રહ્યું.