સુરત: શહેરમાં બસ ઓપરેટરો અને ધારાસભ્ય કુમાર કાનાણી વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે મુસાફરોની ખો નીકળી ગઈ હતી. વહેલી સવારે સૌરાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી મુસાફરો લઈને આવેલી બસ વાલક પાટિયા પાસે જ ઊભી રહી ગઈ હતી. ત્યાં જ મુસાફરોને ઉતારવામાં આવતા ગંતવ્ય પર પહોંચવામાં મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
વધારાનો ખર્ચ: મુસાફરોએ બસના ભાડાની સાથે સાથે ઘર સુધી પહોંચવા માટે પણ વધારાનો ખર્ચ કરવો પડ્યો હતો. જેને કારણે મુસાફરોને આર્થિક નુકસાન પણ સહન કરવાનો વારો આવ્યો હતો. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા શહેરમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈ ટ્રાફિક ડીસીપીને ખાનગી લક્ઝરી બસને ભારે વાહનો પર પ્રતિબંધના જાહેરનામાના સમય દરમિયાન પ્રવેશ ન આપવા માટે રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆત બાદ ખાનગી બસ ઓપરેટરો રોષે ભરાયા હતા. તેમણે મુસાફરોને શહેરની બહારથી જ બસમાં બેસાડવા અને ઉતારવામાં આવતા મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મુશ્કેલી વધારી: છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં વરાછાના ધારાસભ્ય અને ખાનગી બસ ઓપરેટરો વચ્ચે ટ્રાફિકના પ્રશ્ને ચાલી રહેલા વિવાદમાં મુસાફર જનતા પીસાઈ રહી છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના ટ્રાફિક ડીસીપીને પત્ર લખી ખાનગી લક્ઝરી બસ સહિત ભારે વાહનોને રાત્રે દસ વાગ્યા પહેલા અને સવારે 7 વાગ્યા પછી શહેરમાં પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાનો કડક અમલ કરવા માટે જણાવ્યુ હતું.
ટ્રાફિકની સમસ્યા સર્જાય: તેમણે પત્રમાં ખાનગી લક્ઝરી બસ સાંજે સાત વાગ્યાથી શહેરમાં પ્રવેશવા લાગતી હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય રહી હોવાનું જણાવી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યુ હતું. આથી ટ્રાફિક વિભાગ દ્વારા ખાનગી બસો રાત્રે દસ વાગ્યા બાદ જ પ્રવેશ કરે તેવો ફતવો બહાર પાડવામાં આવતા લક્ઝરી બસ એસોસિએશન અને ધારાસભ્ય કુમાર કાનાણી સામસામે આવી ગયા હતા.
જાહેરાત કરી દેવાય: ધારાસભ્યની રજૂઆત બાદ લક્ઝરી બસ ઓપરેટરોએ મંગળવારથી શહેરમાં લક્ઝરી બસ પ્રવેશ કરશે નહીં. તેમજ બસમાં મુસાફરી કરવા માગતા મુસાફરોએ શહેરથી 10 કિમી દૂર વાલક ખાતેથી જ બસ પકડવી પડશે. ત્યાં જ ઊતરવું પડશે એવી જાહેરાત બાદ કરી હતી. આજથી તેનો અમલ થતાં મુસાફરોની હાલત કફોડી થઈ ગઈ હતી. વહેલી સવારે સુરત પહોંચેલી બસોને શહેરની બહાર વાલક પાટિયા પાસે જ ઉતારી દેવામાં આવ્યા હતા. આથી ગંતવ્ય પર જવા માગતા મુસાફરોને અન્ય વાહનોની મદદ લેવી પડી હતી. આથી આર્થિક ફટકો પણ પડ્યો હતો.
શહેરમાં પ્રવેશી નહીં: મોટાભાગની બસસવારે 5 વાગ્યે છૂટના સમયમાં આવી ગયા હોવા છતાં પણ શહેરમાં પ્રવેશી ન હતી અને મુસાફરોને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા હતા. લગભગ 400થી 500 બસ વાલક પાટિયાથી કામરેજ તરફના રોડ પર ઊભી રહેતા મોટી ટ્રાફિક સમસ્યા સર્જાય હતી. બેની લડાઈમાં ત્રીજાની એટલે કે મુસાફરની ખો નીકળી જવા પામી હતી.