સુરત: જિલ્લાના માંડવી તાલુકાના મોરીઠાગામ ખાતે દીપડો પાંજરે પુરાયો છે. દીપડો દેખાતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું. દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વાઘયા ફળીયા નજીકથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.
લોકોમાં ફફડાટ: સુરત જિલ્લા તેમજ દક્ષિણ ગુજરાતમાં દીપડા દેખાયા હોવાના અહેવાલો અવારનવાર સામે આવતા રહે છે. વધુ એક દીપડો આખરે પાંજરે પુરાયો છે. છેલ્લા કેટલાક સમયથી ગામની સીમમાં કદાવર દીપડો દેખાતા લોકોમાં ફફડાટ હતો. જોકે આખરે દીપડો પાંજરે પુરાઈ જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. હાલ તો વન વિભાગની ટીમે દીપડાનો કબજો લઇને તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.
દિપડાનાં આંટાફેરાને લઈને સ્થાનિકો દ્વારા રજૂઆત મળતા જ અમારી ટીમ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. જે પાંજરામાં દીપડો પુરાઈ ગયો હતો. દીપડાનો કબજો વન વિભાગને લીધો છે. સુરક્ષિત જગ્યાએ દીપડાને છોડવામાં આવશે.' -વંદાભાઈ, આરએફઓ, માંડવી વન વિભાગ
અગાઉ પણ દીપડો દેખાયો: બે દિવસ અગાઉ પણ સુરત જિલ્લાના માંડવી તાલુકાના અમલસાડી ગામ દીપડો દેખાયો હતો. રાત્રીના સમયે 5 ફૂટની કમ્પાઉન્ડ વોલ કૂદી દીપડો ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસી ગયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિના બનાવ સામે આવ્યો નથી. અત્યાર સુધી ખેતી અને જંગલ વિસ્તાર તો ઠીક પરંતુ હવે રહેણાંક વિસ્તારમાં દીપડો દેખા દેતા રહીશોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડાની લટાર ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે દીપડો ત્યાં આંટાફેરા મારી રહ્યો છે.