- 23 તારીખે મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાશે પરાક્રમ દિવસ
- સાંસદ પ્રભુ વસાવાએ દત્તક લીધું હતું હરીપુરા ગામ
- થોડા સમય પહેલા જ નાખેલા પેવર બ્લોક ઉખેડી નવા નખાયા
સુરતઃ શનિવારના રોજ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આગેવાનીમાં પરાક્રમ દિવસની ઉજવણી થવાની છે. હરીપુરા ખાતે મુખ્યપ્રધાન આવવાના હોવાની બુધવારે સાંજે જાહેરાત થઈ હતી. આ જાહેરાત થતાંની સાથે જ બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ દત્તક લીધેલા હરીપુરા ગામમાં વિકાસ કાર્યોએ અચાનક ગતિ પકડી હતી.
ગામની શોભા વધે તે માટે નવા પેવર બ્લોક
મોટી સંખ્યામાં શ્રમિકો અને રંગરોગાન કરતાં કારીગરો તેમજ સફાઈ કામદારો ગામમાં ઉતરી પડતાં ગામના લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું. દત્તક લીધેલા ગામમાં થોડા સમય પૂર્વે જ સાંસદ પ્રભુ વસાવાએ વિકાસના કામો કરી રોડ, પેવર બ્લોક, ફૂટપાથ અને સ્મારકોને જાળવણીની કામગીરી શરૂ કરી હતી. ચર્ચા મુજબ સાંસદે કરેલા તકલાદી વિકાસને કારણે ગામમાં ફરી એક વખત પેવર બ્લોક કાઢી નવા નાખવામાં આવી રહ્યા છે. મુખ્યપ્રધાન આવવાના હોય રોડની આજુબાજુના પેવર બ્લોકથી ગામની શોભા વધે તે માટે આ નવા પેવર બ્લોક લગાવવામાં આવી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પરંતુ પહેલા લગાવેલા પેવર બ્લોક કેમ ઉખેડી નાખવામાં આવ્યાં તે અંગે પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.
શોભાના ગાંઠિયા સમાન મ્યુઝિયમમાં પણ રંગરોગાન
સુભાષચંદ્ર બોઝની યાદગીરીમાં બનાવવામાં આવેલું મ્યુઝિયમ આજે પણ શોભાના ગાંઠિયા જેવુ પુરવાર થઈ રહ્યું છે. અહી સુભાષ બાબુને લગતી એક પણ સ્મૃતિ જોવા મળતી નથી. જે મ્યુઝિયમને પણ ફરીથી રંગરોગાન કરાવવામાં આવી રહ્યું છે.
2009માં તત્કાલિન મુખ્યપ્રધાન નરેંદ્ર મોદી પણ આવ્યાં હતા
વર્ષ 2009માં તત્કાલિન મુખ્યપ્રધાન નરેંદ્ર મોદીએ અહી મોટી સભા કરી મ્યુઝિયમ અને સુભાષબાબુની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પરંતુ ત્યારબાદથી કોઈ કાળજી લેવામાં આવી ન હોય મ્યુઝિયમ આજે ખંડેર જેવુ બની ગયું હતું. પરંતુ હવે મુખ્યપ્રધાન આવવાના હોય ત્યારે સાંસદના આ દત્તક ગામને ફરી સજાવવામાં આવી રહ્યું છે.
રાતોરાત થઈ રહેલી કાયાપલટ સાંસદના દત્તક ગામમાં વિકાસ થયો ન હોવાનું પુરવાર કરે છે
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એસ.સી. સેલના ચેરમેન અને સ્થાનિક અગ્રણી તરુણ વાઘેલાએ જણાવ્યુ હતું કે, હરીપુરામાં રાતોરાત થઈ રહેલા વિકાસના કામો સ્થાનિક સાંસદના તકલાદી કામની ચાડી ખાય છે. જો તેમણે ખરેખર દત્તક લીધેલા હરીપુરાનો વિકાસ કર્યો હોત તો આજે જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન અહી પધારવાના છે ત્યારે રાતોરાત કાયાપલટ કરવાની જરૂર ઊભી થઈ ન હોત. આ જ પુરવાર કરે છે કે દત્તક ગામમાં હજી સુધી કોઈ વિકાસ થયો ન હતો.