સુરતઃ જિલ્લામાં ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા કડોદરા પંથકમાં ફરી કેમિકલ માફિયાઓનો ઉત્પાત શરૂ થયો છે. જાહેરમાં કેમિકલ વેસ્ટ નિકાલ કરવાની પદ્ધતિ સરખી જ હોય છે. માત્ર વિસ્તાર અલગ હોય છે. આ વખતે પલસાણા તાલુકાના દસ્તાન ગામ નજીક આ કેમિકલ ભરેલા પોટલા જોવા મળ્યા હતા.
દસ્તાન ગામે આવલા રેલવે બ્રિજ પાસેથી પસાર થતો ખેતરડીના કાચા રસ્તા પર અજાણ્યા શખ્સે 60 જેટલી પ્લાસ્ટિકની મોટી બેગ ભરીને ઇન્ડસ્ટ્રીઝ વેસ્ટ ફેંકી ગયા હતા. જોકે ઈરાદા પૂર્વક કેમિકલ થલવાયું હોય તેમજ ખાનગી વાહન અને ક્રેનની મદદ લેવાય હોય તે વાત નકારી શકાય તેમ નથી. કારણ કે કેમિકલ ભરેલા મોટા પોટલાનું વજન પણ અતિભારે છે. આ ઉપરાંત આ કેમિકલ વેસ્ટ થેલાઓ ખુલ્લામાં નહી પરંતુ રેલવે પુલ નીચેથી પસાર થતી ખાડીના પાણીમાં નાખવાનું વ્યવસ્થિત કાવતરૂ હોય એમ લાગી રહ્યું છે. આગળ રસ્તો અતિ કીચડ વાળો હોવાથી આ મોટી ટ્રક ફસાઈ જતા રસ્તામાં મસીનરીની મદદથી કેમિકલ નાખી શખ્સો નાસી છૂટ્યા હોવાનું મનાઈ રહ્યું છે.
ગામના સરપંચે ઘટના સ્થળે તપાસ કરતા પ્રાથમિક દષ્ટિએ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જણાઈ આવ્યું હતું. કેમિકલ માફિયાઓ દ્વારા ખેડૂતોના ખેતર નજીક આ કરતુત જોવા મળી હતી. જોકે ઝેરી કેમિકલ વેસ્ટ અહીં નાખવાના પુરાવા પણ મળતો હોય તેમ નજીકના એક CCTVમાં દ્રશ્યો કેદ થયાં હતા. જેમાં એક ડમ્પર તેમજ ક્રેનની મદદ વડે કેમિકલ ઉતારવામાં આવી રહ્યા નું દેખાયું હતું. આ કેમિકલની દુર્ગંધ પણ ખૂબ ફેલાય હતી.
સમગ્ર ઘટના અંગે સરપંચે પલસાણા પોલીસમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી. જેથી પલસાણા પોલિસે GPCBને જાણ કરી વેસ્ટના સેમ્પલ લેવડાવ્યા હતા. સેમ્પલના રિપોર્ટ બાદ પોલીસની આગળની કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે આ ઘટના સામાન્ય બની ગઈ છે, કારણ કે કેમિકલ વેસ્ટ ઠાલવવાનો મામલો બહાર આવે છે પરંતુ GPCB પણ કેમિકલ માફિયાઓને ઘૂંટણિયે પડી ગયું હોય તેમ મક્કમ કાર્યવાહી નહીં થતા કેમિકલ માફિયાઓ બેફામ બની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.