સુરતઃ ઓલપાડ તાલુકાના કીમ ગામે રહેતા વેપારીને બેન્કમાં એકાઉન્ટ બંધ થવાનું છે તમારે KYC કરાવવી પડશે,તેવો એક કોલ આવ્યો હતો. વેપારીએ ફોન પર વાત કર્યાના થોડા સમય બાદ તેના બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ 96 હજાર રૂપિયાની બારોબાર ઉચાપત થઈ ગઈ હતી. વેપારીને શંકા જતા તેણે કીમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
3.96લાખનો ઓનલાઈન ફ્રોડઃ સુરત જિલ્લાના નાગરિકો સતત ઓનલાઇન ફ્રોડનો શિકાર બની રહ્યા છે. ઠગો અલગ અલગ રીતે લોકોને ઠગી રહ્યા છે. ત્યારે વધુ એક ઠગાઈની ઘટના ઓલપાડ તાલુકામાં બની છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ નજીક આવેલ મૂળદ ગામે રાજેશભાઈ બચુભાઇ સોજીત્રા ઉ.વ. 49 સ્વાગત રો હાઉસમાં રહે છે. જેઓ કીમ ચાર રસ્તા પાસે ક્રિષ્ના એન્જિનિયરિંગ નામની દુકાન ચલાવે છે. તેમના મોબાઈલ પર 08391925052 નંબર પરથી ફોન આવ્યો હતો. કોલમાં બેન્ક ખાતાનું KYC કરવાનું કહેવામાં આવ્યું. વેપારી પાસેથી આધારકાર્ડ અને પાન કાર્ડની ડીટેલ લેવામાં આવી હતી. વેપારીને શંકા જતા તેમણે આધારકાર્ડ કે પાનકાર્ડની ડીટેલ આપી નહતી.તેમ છતાં સાયબર ઠગે મોબાઈલ નંબર હેક કરી કે કોઈ અન્ય રીતે ખાતામાંથી પહેલા 1 લાખ 98 હજાર ઉપાડી લીધા હતા. ત્યારબાદ બીજી વાર પણ 1 લાખ 98 હજાર ઉપાડી લીધા હતા. જેથી કુલ્લે 3 લાખ 96 હજાર રૂપિયા ખાતામાંથી કપાઈ જતા વેપારી ચોંકી ઉઠ્યા હતા.
આ ઓનલાઈન ફ્રોડ સંદર્ભે કીમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરીયાદી સાથે 3.96 લાખની ઠગાઈ નોંધવામાં આવી છે. હાલ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે...વી.આર.ચોસલા(PSI, કીમ પોલીસ સ્ટેશન)
પોલીસ ફરિયાદ કરાઈઃ આટલી મોટી રકમ ખોવાનો વારો આવતા તેમણે પ્રથમ સાઇબર ક્રાઈમ હેલ્પલાઇન પર જાણ કરી. ત્યારબાદ તેમણે કીમ પોલીસ મથકે પહોંચી અજાણ્યા આરોપી વિરોધ ફરિયાદ નોંધાવી હતી.કીમ પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 406, 420 તેમજ ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેનડમેન્ટ એક્ટ 2008 કલમ 66-C મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.