ખેડૂતોના ખેતરો પુરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તો કેટલાકના ખેતરોમાં પુરના પાણી ફરી વળ્યાં હતા. આ કહેર વચ્ચે ડુંગળીના મબલક પાકને પુર જેવી સ્થિતિના કારણે મોટું નુકસાન થયું છે. જો કે, ખેતરોમાં સ્થિતિ સુધરે તે પહેલાં તો "મહા" વાવાઝોડાની અસરે ફરી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. જેમાં ડુંગળીનો સ્ટોર કરાયેલો જથ્થો સહિત ખેતરોમાં રહેલા પાકને નુકસાન થતા ડુંગળીના ભાવો પ્રતિ કિલો 100 પર પહોંચ્યા છે. જેથી સામાન્ય વર્ગ માટે ડુંગળી ખરીદવી મુશ્કેલ બન્યું છે.
એક તરફ ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે, ત્યાં બીજી તરફ ડુંગળીની આવક પણ ઘટી છે. જેને લઇ ડુંગળીના ભાવ ભડકે બળ્યા છે. સુરતમાં ડુંગળી પ્રતિ કિલો 90 થી 100 રુપિયાના ભાવે વેંચાણ થઇ રહી છે. જોકે સામાન્ય વર્ગ અને ગૃહિણીઓ માટે 90 થી 100 રૂપિયે કિલો ડુંગળી ખરીદવી ખૂબ જ મુશ્કેલ સાબિત થઇ રહી છે. કેટલાક લોકો તો હાલ પૂરતું ડુંગળી ખરીદવાનું પણ ટાળી રહ્યા છે. તેવામાં સુરત APMC અને સરદાર માર્કેટમાં આવતી ડુંગળી પણ જોઈએ તેવી ક્વોલિટીમાં મળીતી નથી.
ગરીબો માટે કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ સોમવારે 90 રૂપિયાથી 100 રૂપિયા કિલો પહોંચી છે, ત્યારે ડુંગળીની ખરીદી કરતી ગૃહિણીઓ પણ એક વખત ખરીદી કરતા પહેલા વિચાર કરી રહી છે. ગૃહિણીઓ સામાન્ય દિવસોમાં જે ડુંગળી પ્રતિ કિલો 20 થી 30 રૂપિયાના ભાવે ખરીદતી હતી, તે ડુંગળીના ભાવ આજે 90 થી 100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જેથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે.