- સુરત જિલ્લાના તાલુકા મથકો પર યોજાયું પ્રદર્શન
- બારડોલીમાં પેટ્રોલ પમ્પ પર ધરણાં કરાયા
- પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવ મુદ્દે કોંગ્રેસનું આંદોલન
સુરત: જિલ્લામાં તાલુકા મથકો પર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પલસાણા, મહુવા, કામરેજ અને બારડોલી તાલુકામાં પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવ મુદ્દે કોંગ્રેસ આક્રમક જોવા મળ્યું હતું. બારડોલીમાં સ્ટેશન રોડ પર આવેલા વામદોત પેટ્રોલ પમ્પ પર પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉ. તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં આ ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. ધરણાં બાદ રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારને શણગારેલી જૂની સાયકલ આપવાનો કાર્યક્રમ હતો. પરંતુ, પોલીસે કોંગી કાર્યકરોને ડિટેન કર્યા હતા.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈ ગુજરાત કોંગ્રેસનો રાજ્યવ્યાપી ધરણા, અમદાવાદના સી.જી રોડ પર નોંધાવ્યો વિરોધ
અલગ અલગ તાલુકાઓમાં વધતી મોંઘવારી સામે રોષ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ ભાજપ શાસનમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને મોંઘવારીના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેના અનુસંધાને સુરત જિલ્લાના પલસાણા ખાતે નેશનલ હાઇવે નંબર 48 પર પલસાણા તાલુકા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યાં તેમણે મોદી સરકાર વિરુદ્ધ નારા લગાવી ભાવ વધારા સામે રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત, જિલ્લાના કામરેજ અને મહુવા તાલુકામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો.

મોદી સરકાર સામે સૂત્રોચ્ચાર
બારડોલીમાં સાંજે 4 વાગ્યે સ્ટેશન રોડ પર આવેલા વામદોત પેટ્રોલ પમ્પ પર કોંગી કાર્યકરો ભેગા થયા હતા. બારડોલી શહેર કોંગ્રેસ અને બારડોલી તાલુકા કોંગ્રેસ દ્વારા આયોજિત આ ધરણાં પ્રદર્શનમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉ. તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. તેમની આગેવાનીમાં યોજાયેલા આ પ્રદર્શનમાં મોદી સરકાર સામે સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કોંગ્રેસે ગાંધીનગરમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું, પોલીસે કરી અટકાયત
કેબિનેટ પ્રધાનને સાયકલ આપવા જતા કાર્યકરો ડિટેન
કોંગી કાર્યકરોએ એક જૂની સાયકલ શણગારી તેને રાજ્યના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારને તેની ઓફિસે આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ધરણાં પુરા કરી કાર્યકરો સાયકલ લઈને જતા જ હતા અને તેમને પોલીસે રસ્તામાં રોક્યા હતા. પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ભારે રકઝક બાદ પોલીસે સાયકલ લઈ જવાની જીદ્દ કરનાર કાર્યકારોની અટક કરી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ તરુણ વાઘેલા સહિતના કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા હતા.

સરકાર લોકોને લૂંટવા બેઠી
ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન ઓક્સિજન, બેડ અને રેમડેસિવિરના અભાવે અનેક લોકોના મોત થયા છે. મહામારીને કારણે અનેક લોકોએ નોકરી ગુમાવી છે. અર્થતંત્ર પણ ખાડે ગયેલું છે. એવા સંજોગોમાં વધી રહેલી મોંઘવારી લોકોના પડતા પર પાટુ સમાન છે. તેમણે વધુમાં કહ્યું કે, સરકાર લોકોને લૂંટવા જ બેઠી છે. લોકોને કઈ રીતે લૂંટવું અને કઈ રીતે પોતાની પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવો તેમાં જ સરકારને રસ છે.
