વલસાડ: ઉમરગામ નવી જીઆઇડીસીમાં કાર્યરત કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનતા અફરાતફરી મચી હતી. ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે. જ્યારે 2 કામદારો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના અંગે ફેકટરી ઇન્સ્પેકટર, પોલીસ, ફાયરને જાણકારી મળતા બ્લાસ્ટના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બોઇલરમાં પ્રેશર વધતાં વેસલ ફાટ્યું: નવી જીઆઇડીસીમાં પ્લોટ નં. 84, 52 હેક્ટર,એક્સપેન્શન એરીયામાં બપોરે લગભગ ત્રણ વાગ્યાના અરસામાં કંપનીના કામદારો રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા. તે દરમિયાન એક મશીનનું ટેસ્ટીંગ વખતે બોઇલરમાં પ્રેશર વધતા વેસલ ફાટ્યું હતું. બ્લાસ્ટની ઘટના બનતા અફરાતફરી મચી હતી. આજુબાજુની કંપનીઓના કામદારોના કાન ફાટી જાય એવો ધડાકો થયો હતો. વેસલ ફાટતા કંપનીના ઉપર લાગેલા પતરા સહિત માલ સામાન હવામાં ફંગોળાયો હતો. જેને લઇ આજુબાજુની કંપનીમાં કામ કરતા કામદારો માં ભયનો માહોલ ફેલાયો હતો.
એક કામદારનું મોત: બ્લાસ્ટની ઘટનાની જાણ ઉમરગામ પોલીસ મથકને થતા પીઆઇ વી. ડી. મોરી સહિત પીએસઆઇ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યા. આ ઘટનાની જાણકારી બાદ ઉમરગામ મામલતદાર જેનીશ પાંડવ, ફાયરના જવાનો, ફેકટરી ઇન્સ્પેકટરની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું છે. જ્યારે 2 કામદારો ઘાયલ થયા છે.
બ્લાસ્ટના કારણ અંગે તપાસ: બ્લાસ્ટની ઘટનામાં કંપનીમાં જ કામ કરતો UPના અરવિંદ યાદવ નામના કામદારનું ઘટનાસ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. અન્ય બે સાથી કામદારો પણ ઇજાગ્રસ્ત પામતા તેઓને દવાખાને સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર પરના તબીબોએ એકની હાલત નાજુક જણાવી હતી. આ ઘટનામાં બોઇલરમાંનું વેસલ કયા કારણસર ફાટ્યું તે અંગે પોલીસ, ફાયર અને ફેકટરી ઇન્સ્પેક્ટરની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.