સુરત :સુરતના લસકાણા વિસ્તારમાં અચાનક જ લુમ્સ કારખાનામાં કામ કરતા ઓડિશાના કારીગરો સેંકડોની સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. પોતાના વતન જવા માટેની જિદ રાખી આ કારીગરોએ રોડ પર ટાયરો પણ સળગાવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના જવાનોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
દેશભરમાં લૉકડાઉન છે અને સુરતમાં લાખોની સંખ્યામાં શ્રમિકો અન્ય પ્રાંતથી આવી રોજગાર મેળવે છે. પરંતુ લૉકડાઉનના સમયે કારખાનાઓ બંધ રહેતાં અનેક શ્રમિકો પોતાના વતન જવા વારંવાર રજૂઆત કરી રહ્યા છે. તેમની જીવનજરૂરી ચીજવસ્તુઓથી લઇ ભોજનની વ્યવસ્થા પ્રશાસન કરી રહ્યું છે, તેમ છતાં સુરત સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લસકાણા ગામના ડાયમંડ નગર પાસે કારીગરોએ ઉત્પાત મચાવ્યો હતો અને દસ જેટલી શાકભાજીની લારીઓ સળગાવી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
સેંકડોની સંખ્યામાં હાજર રહેલા કેટલાક ઓડિશાના કારીગરોની અટકાયત પણ કરવામાં આવી છે. લૉકડાઉનમાં સુરતમાં રહેતા શ્રમિકોને પર્યાપ્ત ભોજન અને અન્ય ચીજ વસ્તુઓની સુવિધા પૂરી પાડવા માટે તંત્ર સજ્જ છે ત્યારે આવી ઘટના સામે આવતા તંત્ર અને સરકાર ચોક્કસથી ચિંતિત થઈ ગયા છે.