સુરત: હવે પ્રજ્ઞાચક્ષુ લોકોની મદદ બાપુ પોતે કરશે. જી હા..... જે સાંભળ્યું છે તે એકદમ સાચી વાત છે. ગુજરાતની પ્રથમ મહિલા યુનિવર્સિટીમાં ભણનાર બીસીએની ચાર વિદ્યાર્થીનીઓએ બાપુ નામની એક એવી સ્માર્ટ સ્ટીક બનાવી છે. જેના કારણે પ્રજ્ઞાચક્ષુ લોકોને એક મીટર વિસ્તારના અવરોધનું એલર્ટ મળી જશે. જો પ્રજ્ઞાચક્ષુને સાંભળવામાં કોઈ પરેશાની હોય તો આ સ્ટીક વાઈબ્રેટ થઈને તેમને એલર્ટ પણ કરી દેશે.
વિદ્યાર્થીનીઓએ ઇનોવેશન કર્યું: વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના બીસીએ સેમેસ્ટર-4માં ભણનાર વિદ્યાર્થીનીઓએ જે ઇનોવેશન કર્યું છે. તેને સાંભળી દરેક વ્યક્તિ તેમની પ્રશંસા કરી રહ્યા છે. કારણ કે તેમના ઇનોવેશનના કારણે દેશના તમામ પ્રજ્ઞાચક્ષુઓને એક સ્માર્ટ સ્ટીક મળવા જઈ રહી છે. ગાંધીયન વિચારધારા પર આ ચારેય વિદ્યાર્થીનીઓએ એક એવી સ્માર્ટ સ્ટીક બનાવી છે. જેના થકી પ્રજ્ઞાચક્ષુ કોઈ અવરોધના કારણે કોઈ વસ્તુ સાથે અથડાશે નહીં.
ઇનોવેશન કરવાનો વિચાર: 1 મીટર દૂર કોઈ અવરોધ હશે તો સ્ટીક વાઇબ્રેટર અને બઝરના માધ્યમથી તેને એલર્ટ કરી દેશે. જેથી તેઓ પોતાનો માર્ગ બદલી શકશે. બીસીએ વિભાગના ડોક્ટર નિરાલીબેન દવે અને ડોક્ટર દીક્ષાંત શાહના માર્ગદર્શન હેઠળ 4 વિદ્યાર્થીનીને માત્ર 20 દિવસમાં આ ખાસ સ્માર્ટ સ્ટીક બનાવી છે. કોલેજમાં ભણતી એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીને જોઈ આ ઇનોવેશન કરવાનો વિચાર આ ચારેય વિદ્યાર્થીનીઓને આવ્યો હતો.
એક બઝર વાગશે: સંશોધન કરનાર ચાર વિદ્યાર્થીઓમાંથી એક સંજના પેટડીયાએ જણાવ્યું હતું કે , અમે બાપુ નામની એક સ્માર્ટ સ્ટીક બનાવી છે. અમારી ટીમમાં ચાર લોકો છે . જેમાં મારા સિવાય મૈત્રી ગોટી, પમ્મી નાકરાણી, નૈની પટેલ સામેલ છે. આ સ્ટીક બનાવવા પાછળનું કારણ અમને ત્યારે મગજમાં આવ્યું જ્યારે અમારી કોલેજમાં એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીનીને જોઈ હતી. જ્યારે તે રસ્તો પસાર કરી રહી હતી. તેની મદદ માટે તેની બહેનપણી હતી. અમને વિચાર આવ્યો કે અમે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે એક સ્માર્ટ સ્ટીક બનાવીએ.
કઈ દિશામાં જવાનું: અમે જે સ્ટીક બનાવી છે તે 100 સેન્ટીમીટર એટલે એક મીટરની રેન્જમાં જે પણ ઓબ્જેક્ટ આ સ્માર્ટ સ્ટીકની સામે આવશે તો તેની જાણ પ્રજ્ઞાચક્ષુને થશે. જેમાં એક બઝર વાગશે અને કોઈને સાંભળવામાં તકલીફ હોય તો તેમના માટે અમે વાઇબ્રેશનની સુવિધા પણ આ સ્ટીકમાં લગાવી છે . આવનાર દિવસોમાં આ સ્ટીકને અન્ય સેન્સર થી સેટ કરીને વધુ ટેકનોલોજી વાપરી ઉપયોગી બનાવવામાં આવશે. જેથી પ્રજ્ઞાચક્ષુને કઈ દિશામાં જવાનું છે તેની જાણ પણ મળી શકશે.
આ પણ વાંચો Surat Crime: સુરત પોલીસે શોખીન ચોરની કરી ધરપકડ, વૈભવી હોટલમાં કરતો આરામ
બ્લાઇન્ડ ઓટોમેટીક પાથ યુનિટ: મહિલા કોલેજના વાઇસ ચાન્સલર દક્ષેશ ઠાકરએ જણાવ્યું હતું કે, પ્રથમ મહિલા યુનિવર્સિટી વનિતા વિશ્રામ યુનિવર્સિટીમાં પ્રોજેક્ટ વર્ક આપવાનું આવે છે . બીસીએસ સેમેસ્ટર ચારના વિદ્યાર્થીનીઓને 'આઇઓટી' એટલે ઇન્ટરનેટ ઓફ થીંક અભ્યાસના ભાગરૂપે પ્રોજેક્ટ કરવા માટે આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ દિવ્યાંગ લોકોને મદદરૂપ થઈ શકે અને એમને માર્ગદર્શન મળી શકે આ માટે બાપુ નામની આ સ્માર્ટ સ્ટીક બનાવી છે. કારણ કે, ગાંધીયન ફિલોસોફી ઉપર આ આખો પ્રોજેક્ટ હતો. આ માટે આ સ્ટીકનું નામ અમે બાપુ આપ્યું છે . જેનો અર્થ થાય છે બ્લાઇન્ડ ઓટોમેટીક પાથ યુનિટ.
માર્કેટમાં મૂકવા માટેની ઓફર: તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીનીઓએ ખૂબ જ અત્યાધુનિક ટેકનોલોજી વાપરીને આ સ્માર્ટ સ્ટીક બનાવી છે. અત્યાર સુધી દિવ્યાંગ જે સ્ટીક વાપરતા હતા તેના કરતાં પણ વધારે એડવાન્સ આ સ્માર્ટ સ્ટીક છે. અમને કેટલાક સમાજિક અને સરકારી ખાતા તરફથી આ સ્ટીક મોટા પ્રમાણમાં માર્કેટમાં મૂકવા માટેની ઓફર પણ આવી છે. આવનાર દિવસોમાં અમે આ સ્ટીકનું ઉત્પાદન કરીને કઈ રીતે સમાજમાં ઓછા ખર્ચે વધુમાં વધુ લોકો સુધી આ સુવિધા અને સગવડ પહોંચાડી શકાય આ માટે કામ કરીશું.