10 વર્ષથી બાળક માટે તરસી રહેલા લીંબાચિયા દંપતીના ખોડામાં રમી રહેલી દીકરી તેમની પોતાની નથી. પરંતુ, એક માતા-પિતા પોતાના બાળક માટે જે કરતા હોય છે તેનાથી વધારે તેઓએ આ બાળકી માટે કર્યું છે. 16 જાન્યુઆરી 2019ના દિવસે વેલંજાની સિલેન્ડર બ્લાસ્ટ ઘટનામાં કોલડીયા પરિવારના ચાર લોકો મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનામાં ૪૫ દિવસની માસુમ હેની આશરે ૬૦ ટકા જેટલી બળી ગઈ હતી. ડોક્ટરે કહ્યું હતું કે, તે પણ કદાચ જીવી શકશે. આ ઘટનામાં માસુમ બાળકીએ પોતાના માતા-પિતા સહિત પરિવારના અન્ય ચાર સભ્યોને ગુમાવી દીધા હતાં. તેના જીવનમાં ઈશ્વરના વરદાન રૂપ લીંબાચિયા દંપતિ આવ્યા કે જેઓએ હેનીને અપનાવી હતી.
પરિવારના અન્ય સભ્યોની સહમતિથી હેનીને દત્તક લઇ છેલ્લા દસ વર્ષથી નિસંતાન રહેલા લીંબાચીયા દંપતીના અંધકારમય જીવનમાં જાણે ઉજાશ આવી ગયું. પરંતુ બાળકી હેનીની સ્થિતિ સારી નહોતી. તે આશરે ૬૦ ટકા જેટલી બળી ગઈ હતી. તેની સારવાર માટે ખર્ચ વધુ થવાનો હતો. નિલેશ અને કાજલ આ જાણતા હતાં. આર્થિક રીતે સારી પરિસ્થિતિ ન હોવા છતાં તેઓએ હેનીને દત્તક લઈ તેની સારવાર શરૂ કરી. ધીમે ધીમે આ ખર્ચ લાખોમાં થઈ ગયો. કાજલે પોતાના સોનાના દાગીના પણ વેંચી નાખ્યા. ત્યાં બીજી તરફ માસૂમ બાળકીને જીવન જીવવાનો મોટો આધાર મળી ગયો. સુરતના લીંબાચિયા દંપતીની આ પહેલા અન્ય લોકો માટે પણ કદાચ દાખલારૂપ બની રહેશે.