સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા મેઘરાજા મન મૂકી વરસી રહ્યા છે. સવારથી જ શહેરમાં ભારે વરસાદ શરૂ થયો હતો. જેમાં ત્રણ કલાકમાં 4 ઈંચ વરસાદ વરસ્યો હતો.
સુરતમાં ભારે વરસાદના કારણે તમામ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ જતા વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી હતી. ટુ વ્હીલર જઈ શકે તેવી કોઈ સ્થિતિ દેખાતી ન હતી. શહેરમાં જાણે પાણીની રેલમછેલ થઈ ગઈ હોય તેમ ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય દેખાતું હતું.
શનિવારે સવારે છ વાગ્યાથી લઈ 9 વાગ્યા સુધી 3 કલાકમાં સુરત શહેરમાં અનરાધાર ચાર ઇંચ વરસાદ વરસતા જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી. ભારે વરસાદના કારણે સુરતના સેન્ટ્રલ ઝોન રાંદેર કતારગામની સ્થિતિ વધારે કફોડી થઈ હતી. શહેરના લીંબાયત વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેર અને જિલ્લાની સ્થિતિ જોઈ સુરત જિલ્લા કલેકટરે NDRF અને SDRFની ટિમને તૈનાત કર્યું છે. હાલ ઓલપાડના પ્રભાવિત વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે.