વર્ષ 1947માં દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો. દેશને આઝાદ કરાવવામાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પોતાનો સિંહફાળો આપ્યો હતો. મહાત્મા ગાંધીની હત્યા અખિલ ભારતીય હિન્દૂ મહાસભાના પ્રણેતા નાથુરામ ગોડસે દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તેજ નથુરામ ગોડશેની આજે પણ પૂજા થઈ રહી છે.
સુરતના લીંબાયત વિસ્તારમાં ગુજરાત અખિલ ભારતીય હિન્દૂ મહાસભાના યુવાઓ દ્વારા નાથુરામ ગોડસેના 109માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.નથુરામ ગોડસેના જન્મ દિવસને લઇ લીંબાયત સ્થિત હનુમાનજીના મંદિરમાં 109 દિવા પ્રગટાવી અને 109 કિલોનો લાડુનો પ્રસાદ પણ ધરવામાં આવ્યો હતો. જેને લઇને હિન્દૂ મહાસભાના યુવા નેતા હિરેન મુશરાએ જણાવ્યું કે, ગોડશેએ ગાંધીની હત્યા કરી તે એક અલગ વાત છે પરંતુ, ગાંધીની જે નીતિ અને વિચારધારા હતી, તેના કારણે હિંદુઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો. ગાંધીની અહિંસાવાળી નીતિનો નથુરામ ગોડશેને વિરોધ હતો. જેથી હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા તેમણે ગાંધીજીની હત્યા નહીં પરંતુ વધ કર્યો હતો.
રાષ્ટ્રપિતાએ દેશને આઝાદ કરાવ્યો, તે જ હત્યારા નથુરામ ગોડસેની આજે પણ પૂજા અને તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જો કે ગાંધીજીના હત્યારા ગોડશેની સુરત ખાતે જે પ્રકારે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી તેને લઈ ગાંધી વિચારધારા ધરાવતા લોકોમાં એક રોષની લાગણી પણ પ્રવર્તી રહી છે.