સુરતના કામરેજ તાલુકાના મોરથાણા ગામના નરેન્દ્રભાઈ પટેલે ચંદનની ખેતી કરી સાહસિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે 21 મહિના પહેલા 20 વિઘા જમીનમાં નીલગીરીની ખેતી કરવામાં આવી હતી. જે પાકમાં સફળતા મળ્યા બાદ નરેન્દ્રભાઈએ 20 વિઘા પૈકી 16 વિઘા જમીનમાં 1100 સફેદ ચંદનના રોપાનું વાવેતર કર્યું હતું. સાથે જ આંતર પાક તરીકે વચ્ચેના ભાગમાં 1100 જેટલા આંબાનું પણ વાવેતર કર્યું છે. પાણીની બચત થાય તે માટે ડ્રિપઇરીગેશન પદ્ધતિ દ્વારા પિયત કરવામાં આવે છે.
આ ખેડૂતે અગાઉ નીલગીરી જેવા વૃક્ષની ખેતી કરી હતી. હાલમાં અનિયમિત વરસાદ અને શ્રમિકોની ભારે અછત રહે છે. આગામી સમયમાં આ સમસ્યા હજુ વિકટ બનશે. શેરડીમાં પણ છેલ્લા વર્ષોમાં કઈ ખાસ ભાવો વધ્યા ન હોવાના કારણે ચંદનની ખેતી કરવાનું પસંદ કર્યું છે, જેમાં લાંબે ગાળે ફાયદો થશે. લગભગ 15 થી 20 વર્ષની ધીરજ બાદ આ ધરતી પુત્ર 12 કરોડ જેટલી કમાણી આ ચંદનની ખેતીમાંથી કરશે. નરેન્દ્ર ભાઈ દ્વારા પોતાના ખેતરમાં ચંદનના છોડનું વાવેતર તો કરવામાં આવ્યું જ છે સાથે સાથે બે ચંદનના છોડ વચ્ચે સરૂના છોડોનું વાવેતર કરવામાં આવ્યું છે. કારણ કે આ સરૂના છોડમાંથી નીકળતો નાઇટ્રોજન ચંદનના વૃક્ષ માટે ફાયદાકારક હોય છે.
મોરથાણા ગામમાં કરવામાં આવેલી આ ચંદનની ખેતી કઈ રીતે થાય અને આ પાકમાં ફાયદો કેટલો એ જોવા માટે કેટલાક ખેડૂતો દુરદુરથી અહીં આવે છે. સીમાંત ખેડૂતો સ્વાભાવિક રીતે ચંદનની લાંબા ગાળાની ખેતી ન કરી શકે. પરંતુ જો આવા ખેડૂતો ચંદનના છોડો શેઢા કે પારા પર વાવેતર કરે તો પણ 15 વર્ષ પછી 10 થી 12 લાખની કમાણી કરીને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે છે.
આજના આધુનિક યુગમાં લોકો ખેતી છોડી શહેરની ભાગમદોડ વાળી દુનિયા તરફ વળી રહ્યા છે. ત્યારે ખેડૂતો આવી ચંદનની ખેતી કરી પોતે તો પોતાનું ભવિષ્ય સુધારી જ શકે છે. સાથે સાથે પ્રયાવરણનું જતન પણ કરી શકે છે.