સુરત: 68 દિવસના લોકડાઉન બાદ જ્યારે સુરતના અંજની એસ્ટેડના વિવિંગ વેપારીઓએ સાહસ બતાવી યુનિટો શરૂ કર્યા જ હતા કે, તે દરિમયાન DGVCL દ્વારા લોકડાઉનમાં સંપૂર્ણ રીતે બંધ રહેલી 800 થી વધુ યુનિટોને 1 થી 5 લાખ સુધીનો મસમોટું બિલ ફટકારી દીધું છે.
કોરોનાના કહેર વચ્ચે સુરતમાં છેલ્લા 72 દિવસથી દેશભરમાં લોકડાઉન છે. ખાસ કરીને સુરતના ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સંપૂર્ણ રીતે બંધ રહ્યા હતા. પરંતુ આટલા દિવસ બંધ રહેલા વિવિંગ યુનિટના ત્યાં લાખો રૂપિયાના વીજળી બિલ આવતા વિવર્સ અકળાઈ ગયા છે. તેઓએ વારંવાર આ અંગે DGVCLમાં રજુઆત કરી છે. હવે આ બિલના વિરોધમાં આંદોલન પણ શરૂ કરી દીધું છે. અંજની એસ્ટેડના તમામ વિવર્સ દ્વારા સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યા છે કે, આ બિલ તેમના દ્વારા ભરવામાં આવશે નહીં.
સુરતના અંજની એસ્ટેટમાં મોટા ભાગે વિવિંગ યુનિટ આવી છે. આ વિસ્તારમાં 1000 જેટલી યુનિટો છે. પરંતુ લોકડાઉન દરમિયાન આ તમામ યુનિટો બંધ રહી હતી.લોકડાઉન દરમિયાન એક દિવસ પણ આ યુનિટો ચાલુ રહી નહોતી તેમ છતાં DGVCL દ્વારા અનેક વિવિંગ યુનિટોને લાખો રૂપિયાના વીજળી બિલ મોકલી દેવામાં આવ્યા છે. લાખો રૂપિયાના વીજળી બિલ લોકડાઉન દરમિયાન જોઈ વિવર્સો અકળાઈ ગયા છે. કારણ કે, લોકડાઉન માં યુનિટો બંધ રહેવા થી તેઓને આર્થિક નુકશાન થયું છે. હાલ બિલ ભરવા માટે પૈસા નથી. લોકડાઉનમાં રાહત મળતા 10 ટકા યુનિટો શરૂ થઈ છે. પરંતુ આ વચ્ચે વીજબિલ આવતા તેઓ રોષે ભરાયા છે.1000 જેટલા વિવિંગ યુનિટમાં 800થી વધુ યુનિટના સંચાલકોને 1 લાખ થી 5 લાખ જેટલો વીજ બિલ મોકલી આપવામાં આવ્યા છે. આ અંગે જ્યારે અંજની એસ્ટેટના વિવર્સ ના ગૃપ દ્વારા DGVCL વિભાગની મુલાકાત લેવામાં આવી તો તેઓને જણાવવામાં આવ્યું હતું કે, તેમના યુનિટમાં વીજ લોડના કારણે બિલ આવ્યું છે. આ અંગે વારંવાર રજુઆત કરી રહેલા વેપારીઓ હવે આટલી હદે રોષે ભરાયા છે કે, આંદોલનની ચીમકી આપી દીધી છે અને તંત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તેઓ કોઈ પણ કિંમત પર આ વીજ બિલ ભરશે નહીં.