બારડોલી: રાજ્યમાં સુરતની આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બારડોલી અને નવસારીમાં તો આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે બારડોલીમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે. ડી.એમ. નગરમાં કમર સુધીના પાણી ભરાય જતા રહીશોની હાલત કફોડી થઈ ગઈ હતી.લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો પણ અડધા પાણીમાં ડૂબી જતાં સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી.
" રાત્રે વરસાદ વધુ પડવાને કારણે અને ઉપરવાસમાંથી વરસાદી પાણી વધુ આવતું હોય આ સ્થિતિ સર્જાઈ છે. અમારી ટીમ સ્થળ પર કાર્યરત છે. જેમ બને તેમ પાણીનો જલ્દી નિકાલ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે."--ફાલ્ગુનીબેન દેસાઈ ( બારડોલી નગરપાલિકા પ્રમુખ)
એક રાતમાં 8 ઇંચ: બારડોલીમાં મધ્યરાત્રિ બાદ 8 ઇંચ જેટલો ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે પાણી નીકળવાની જગ્યા ન રહેતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દર વર્ષે આ સ્થિતિ જોવા મળે છે. તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવી સ્થિતિ અહીંયા વિસ્તારની છે. ડી.એમ. નગરમાં જ્યારે ETV ભારતની ટીમ પહોંચી તો ત્યાંથી સ્થિતિ ખૂબ જ ખરાબ જણાઈ હતી. કમર સુધીના પાણીમાં લોકો પસાર થઈ રહ્યા હતા. નજીકથી પસાર થતી ખાડીમાંથી પાણી નિકાલ ન થવાથી દર વર્ષે આવી સ્થિતિ સર્જાતી હોવાનું રહીશોએ જણાવ્યું હતું. રાત્રે ઘરમાં એક-એક ફૂટ જેટલા પાણી ભરાઈ જતા આખી રાત પાણી કાઢવામાં વીતી હતી.
બાંધકામને કારણે સમસ્યા: વિસ્તારમાં થઈ રહેલા બાંધકામને કારણે પાણી નિકાલની સમસ્યા સર્જાઈ રહી છે. અનેક વખત નગરપાલિકા ને રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો લોકોનો આક્ષેપ છે. પાણી ભરાય જવાથી દર વર્ષે સર્જાતી આ સ્થિતિથી સ્થાનિક રહીશો હેરાન થઈ ગયા છે. તંત્ર જાણે કર લેવા સિવાય કોઈ કાર્ય ના કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે. લોકો પાસે મોટા મોટા કર ઉઘરાવા સિવાય આ તંત્ર કદાચ કોઇ કાર્ય કરી રહ્યું નથી.