સુરતના 8 ઝોનમાં આવેલા કોમર્શિયલ કોમ્પલેક્સ, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને શાળાઓ તેમજ સ્કૂલોમાં સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોઈપણ ફાયરસેફ્ટી વગર અને કંજેસ્ટ એરિયા ધરાવતા કોમ્પ્લેક્ષ,આર્કેડ, શાળાઓ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ખાતાઓમાં પતરાના ગેરકાયદે શેડ ઉભા કરવામાં આવ્યા હતા.
જે અંગે આજ એટલે કે સોમવારના રોજ સુરત મહાનગરપાલિકાના કમિશ્નર એમ.થેનારાશન જાતે રાઉન્ડ પર નીકળ્યા હતા અને તમામ સ્થળોએ કડક કામગીરી કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો. પાલિકા કમિશ્નર એમ.થેનારાશને જણાવ્યું કે, ફાયર સેફટી વિના ધમધમતા ટ્યુશન કલાસીસ, શાળાઓ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સહિત ઇન્ડટ્રીયલ ખાતાઓ સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.
હમણાં સુધી 44000 સ્કવેર ફિટમાં ગેરકાયદેસર ઉભા કરાયેલા પતરાના શેડ દૂર કરવામાં આવ્યા છે. આ સાથે ફાયર સેફટી મુદ્દે નોટિસ અને સીલ મારવાની કામગીરી પણ સતત ચાલી રહી છે. આગામી દિવસોમાં ગેરકાયદે બિલ્ડીંગો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. ફાયર સેફટી અને ગેરકાયદે બાંધકામ કરનારાઓને કોઈ ને પણ છોડવામાં નહીં આવે.