સુરત: સમગ્ર રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તાલુકા જિલ્લાના હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આજરોજ ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકની વરણી માટે મેન્ડેડ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
યાદી જાહેર કરવામાં આવી: જિલ્લા સંગઠનના કિશોર ભાઈ પાનવાલા પ્રવીણભાઈ બી. પટેલ, ઓલપાડ ભાજપના સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, મહાપ્રધાન કુલદીપસિંહ, સુનિલ પટેલ તેમજ તાલુકા પંચાયતના તમામ હોદ્દેદારો અને સભ્યોની ઉપસ્થિતિમાં નવા નિયુક્ત થનાર વિવિધ હોદ્દેદારોના નામ પૈકી પ્રમુખ તરીકે મહિલા બેઠક માટે નીતાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે કિરણભાઈ જયંતીભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે જયેશભાઇ મહાદેવભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જીજ્ઞેશભાઈ પટેલ, દંડક તરીકે કિશોરભાઈ રાઠોડના મેન્ડેડની યાદી જાહેર કરવામાં આવી હતી. જે બાદ આજરોજ પ્રમુખ, ઉપપ્રમુખ ફોર્મ ભરી તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવ્યા હતા. તમામ નામો જાહેર થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ તમામની જાહેરાતને સહર્ષ વધાવી લીધી હતી. જો કે આવતી કાલે ગુરુવારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
મેયરના નામની જાહેરાત: બે દિવસ અગાઉ અમદાવાદ અને વડોદરા બાદ સુરતના નવા મેયરના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી. દક્ષેશ માવાણી સુરતના નવા મેયર બન્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલની નિમણૂક કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરત મનપાની અઢી વર્ષની ટર્મ સોમવારે પૂર્ણ થતાં મંગળવારે સવારે સરદાર સભાગૃહ ખાતે ખાસ સભા બોલાવવામાં આવી હતી. જેમાં હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. સુરત મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની પસંદગી કરવામાં આવી છે.
દંડકના નામો જાહેર: જ્યારે શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. દંડક તરીકે ધર્મેશ વણીયાવાળાની વરણી કરવામાં આવી છે. આજે ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પક્ષ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટ લઈને સરદાર સભાગૃહ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના તમામ કોર્પોરેટર સાથે સંકલન બેઠક કરી હતી. જે બાદ મેન્ડેટ થકી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડકના નામ જાહેર કર્યા હતા.