નવસારી લોકસભા સંસદીય મત વિસ્તારના સાંસદ સીઆર પાટીલે આ પ્રશ્ને રજૂઆત કરતા કહ્યું હતું કે, જ્યાં સુધી કોઈ અપકૃત્ય નહીં કરે ત્યાં સુધી ટ્રાફિક પોલીસની કામગીરીનો જો કોઈ વાહન ચાલક કે સામાન્ય નાગરિક વીડિયો ઉતારતો હોય તો તે કોઈ ગુનાહિત કૃત્ય નહીં ગણાય. છેલ્લા કેટલાક સમયથી મોબાઇલમાં શૂટિંગ કરતા સામાન્ય નાગરિકો સામે પણ ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે, તે યોગ્ય બાબત ગણી શકાય નહિં.
આ ઉપરાંત તળાવના મુદ્દે પણ આક્રમક રજૂઆત કરવામાં આવી હતી. એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં તેમજ કાંઠાના વિસ્તારમાં સરકારી જમીનો ઉપર સેંકડો ઝીંગા તળાવ ગેરકાયદે રીતે બનાવી દેવામાં આવ્યા છે. તેમજ ડુમસ પાસે તાપી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ પાસે રચાયેલ આ વિશાળ બેટ ઉપર પણ સેંકડો ગેરકાયદે તળાવ બનાવવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર ઝીંગા તળાવોને કારણે ઉકાઈમાંથી પાણી જ્યારે ડિસ્ચાર્જ કરવામાં આવે, ત્યારે તેમજ દરિયામાં ભરતી આવે, ત્યારે પાણીના પ્રવાહને પણ અડચણ થાય છે. ડુમસના કાંઠાના ફળિયાઓને પણ તેના ગંભીર પરિણામો ભોગવવા પડી રહ્યા છે. આવા ઝીંગા તળાવને કોઈપણ સંજોગોમાં તાકીદના ધોરણે દૂર કરવાની કામગીરી કરવામાં આવે તેવી માંગણી સાંસદ સી.આર પાટીલે કરી હતી.