સુરત: પૂર્વા સિંઘલ મૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરની વતની અને હાલ સુરત ગોડાદરાની રઘુનંદન સોસાયટીમાં રહે છે. છેલ્લા બે મહિનાથી સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોલિન્ટીયર તરીકે કામગીરી કરે છે. પૂર્વા ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત બની હતી અને માત્ર બે દિવસમાં જ કોરોનાને માત આપી હતી. તેણે 28 દિવસ બાદ પ્લાઝમાં દાન કરવાનો પણ સંકલ્પ કર્યો છે.
કોરોના દર્દીઓની સેવામાં સુરત મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા એમ.બી.બી.એસના 21 તબીબ વિદ્યાર્થીઓ જોડાયા છે. પૂર્વા પણ તેમાં સામેલ છે. તેઓ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોલિન્ટીયરની ઉમદા ફરજ નિભાવી રહી છે. સ્ટેમસેલ કોવિડ-19 હોસ્પિટલમાં તેમજ કોવિડના એક વોર્ડથી બીજા વોર્ડમાં દર્દીઓને શિફ્ટની જવાબદારી પણ તે નિભાવે છે.
પૂર્વા જણાવે છે કે, 5 ઓગસ્ટના રોજ ફરજ દરમિયાન તબિયત બગડતાં કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા કોવિડ વોર્ડમાં દાખલ થઈ હતી. બે દિવસમાં તબીબો અને નર્સિંગ સ્ટાફની સારવારથી કોરોનાને માત આપવામાં સફળ થઈ હતી. પરિવારમાં દાદી, માતા અને નાનો ભાઈ હોવાથી તેમને ઇન્ફેકશન ન લાગે તે માટે ઘરથી દૂર રહી 13 દિવસ ખાનગી હોટેલમાં ક્વોરેન્ટાઈન રહી હતી. મારી માતા પણ પ્લાઝમાનું મહત્વ સમજે છે જેથી તેમની પ્રેરણાથી 28 દિવસ બાદ પ્લાઝમાં આપવાનો સંકલ્પ કર્યો છે. દાદી રોજ કહે છે, "ઘરની ચિંતા કર્યા વગર શક્ય હોય તેટલી કોરોનાના દર્દીઓની સેવા કરજે."
તે વધુમાં જણાવે છે કે, ‘કોરોના વૈશ્વિક મહામારીની પરિસ્થિતિમાં કોઈનું આશ્વાસન અને મધુર શબ્દો જ દવા અને દુઆનું કામ કરે છે. કોરોનાથી સંક્રમિત થવાના જોખમ હોવા છતા પણ હિંમત દાખવીને હું અને મારા સહાધ્યાયી તબીબો સિવિલમાં આરોગ્ય કામગીરીમાં જોડાયા છીએ. પરિવાર તરફથી મળતા પ્રોત્સાહન અને સિનીયર તબીબોની પ્રેરણાથી અમે બમણા જોશથી તંત્ર સાથે દિવસરાત કોરોના સામેની લડતમાં પોતાનું યોગદાન આપી રહ્યા છીએ.
નવી સિવિલ હોસ્પિટલ કોવિડ-19 નોડલ ઓફિસર ડો.અશ્વિન વસાવાએ જણાવ્યું કે, કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મેડિકલ કોલેજના છેલ્લા વર્ષના એમ.બી.બી.એસના 21 તબીબ વિદ્યાર્થીઓ કોવિડ હોસ્પિટલના દર્દીઓની ‘ઇન્ટરનલ ટ્રાન્સફર ટીમ’માં ખૂબ જ ઉત્સાહથી જોડાયા છે. તેમાની એક પૂર્વા સિંઘલ પણ છે. જે કોરોનાને માત આપીને ફરી પોતાની પ્રાથમિક ફરજ પર જોડાઇ છે. તેમની જિંદાદિલી અને કામ કરવાની ધગશ અન્ય તબીબો માટે પણ પ્રેરણારૂપ છે.
સિવિલના યુવા કોરોના વોરિયર તબીબોની સેવામાં દર્દીઓના પરિવારજનો અને સુખ-દુઃખના સાથી બની જાય છે. મક્કમ મનોબળથી કોરોનાને નિયંત્રિત કરવામાં મોટું યોગદાન આપી રહ્યા છે.