સુરત જિલ્લામાં કેટલાક દિવસોથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગત્ 24 કલાકની અંદર મહુવા તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. તેમજ ઉપરવાસમાં આવેલ ડાંગ જિલ્લામાં પણ કેટલાક દિવસો થી મેઘરાજા મહેરબાન થયાં હતા. જેના પગલે અંબિકા નદીમાં પણ પાણીની આવક શરૂ થઈ હતી. કાળ ઝાળ ગરમીમાં ડેમનું પાણી ખાલી થઈ જતાં તળિયા ઝાટક થઈ ગયો હતો. વરસાદી પાણી મધર ઇન્ડિયા ડેમમાં વહેતા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. વર્ષો પહેલા અહીં 'મધર ઇન્ડિયા' ફિલ્મનું શૂટિંગ પણ થયું હતું અને ત્યારથી આ ડેમનું મધર ઇન્ડિયા નામ અપાયું હતું.
સામાન્ય રીતે પાણીથી હર્યો ભર્યો રહેતો આ મધર ઇન્ડિયા ડેમ ખાલી થઈ જતા એક સમય એ ખેડૂતોમાં પણ નારાજગી છવાઈ હતી. ત્યારે પાણીના ભરોસે ચોમાસામાં ખેડૂતો ખેતી પાક લેતા આ પાણીની આવકે નવજીવન આપ્યું હતું. હાલ અવિરત પાણી મધર ઇન્ડિયા ડેમમાં આવી રહ્યું છે. જેથી ધરતીપુત્રોએ પણ રાહત અનુભવી ખેતીમાં જોતરાશે. તેમજ રવિવારનો દિવસ હોય ત્યારે પ્રકૃતિની મઝા માણવા નીકળેલા સહેલાણીઓ આ ડેમની મુલાકાત લેવાનું પણ ચૂકતા નથી.