- ખાંડની ગુણવતા નહીં જાળવતા એમ.ડી.ના રાજીનામાની માંગ
- વેપારીઓની શેરડી વહેલી કાપવામાં આવતી હોવાના આરોપ
- વધુ શેરડી પકવતા ખેડૂતોને ઈનામ પણ ન અપાયા
સુરત: જિલ્લાના બારડોલી તાલુકાની મઢી સુગર ફેક્ટરીની 55મી વાર્ષિક સામાન્ય સભા ગુરુવારના રોજ પ્રમુખ સમીર ભક્તના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વાર્ષિક અહેવાલ અને હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. જેને ઉપસ્થિત સભાસદોએ મંજૂરી આપી હતી. સંસ્થાના સભાસદોની શેરડીની સમયસર કાપણી થતી નથી અને વેપારીઓની શેરડી વહેલી કાપવામાં આવતી હોવાના આક્ષેપો સભા ગાજી હતી.
આ પણ વાંચો: નર્મદા જીલ્લાની ધારીખેડા સુગર ફેક્ટરી દ્વારા ખેડૂત શિબિરનું આયોજન
પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવેલ દંડ અહેવાલમાં દર્શાવવામાં ન આવતા વિવાદ
મઢી સુગર ફેક્ટરીની સામાન્ય સભામાં સંસ્થાના ડિરેક્ટર સુરેશ રાનીયાએ મંચ પરથી જ ખાડે ગયેલા વહીવટને કારણે એમ.ડી. રમેશ વર્માના રાજીનામાની માંગ કરી હતી. તેમણે પ્રમુખ સમીર ભક્ત કેમ તેમનું રાજીનામું નથી લઈ રહ્યા તેમની શું મજબૂરી છે... એવા આક્ષેપો કર્યા હતા. લોકનાથ ચક્રપાણી નામના સભાસદોએ સંસ્થામાં વારંવાર ખાંડની ગુણવત્તા બાબતે પુરવઠા વિભાગ દ્વારા 48 વખત સેમ્પલ રિજેક્ટ થયા હતા. જેના દંડની વાર્ષિક હિસાબમાં દર્શાવવામાં આવ્યા ન હોવાથી જવાબદારો સામે ગુનો દાખલ કરવાની માગ કરી હતી.
એમ.ડી.ને તાત્કાલિક છૂટા કરવા માંગ
આ ઉપરાંત સંસ્થામાં 2016-17 સુધી 06 બોઈલર રેગ્યુલર ચાલતા હતા. તે બોઈલર ગમે તેમ ડિઝાઈનો ચેન્જ કરી ભંગાર બનાવી દીધા હોવાથી ખાંડની ગુણવત્તા જળવાતી ન હોવાનું જણાવી એમ.ડી. રમેશ વર્માને તાત્કાલિક છૂટા કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત એજન્ડાના કામોમાં સૌથી વધારે શેરડી પકવતા ખેડૂતોને ઈનામ પણ આપવામાં આવ્યા ન હતા.
આ પણ વાંચો: સુરતમાં નદીનું દૂષિત પાણી છોડાતા મઢી સુગર ફેક્ટરીને તાળાબંધી
90 ટનનું નવું બોઈલર સ્થપાશે
સાધારણ સભામાં સંસ્થા દ્વારા 22થી 25 કરોડના ખર્ચે 90 ટનનું નવું બોઈલર બનાવવામાં આવનારો પ્રસ્તાવ પ્રમુખ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. નવા બોઈલરથી 06 બોઈલરનું કામ માત્ર ત્રણ બોઈલરથી થશે. સાથે જ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થતાં સભાસદોની આવકમાં પણ વધારો થશે. નવા બોઈલર માટે સભાસદોએ મંજૂરી આપતા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
સુગર ફેક્ટરીએ 9.65 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું
આ પ્રસંગે પ્રમુખ સમીર ભકતે જણાવ્યુ હતું કે, ખાંડ ઉત્પાદન વધુ હોવાથી સરકારના અસરકારક પગલાંને લઈને ખાંડની નવી નીતિ બનાવી ખાંડ વેચાણની ન્યૂનતમ કિમત રૂપિયા 31 પ્રતિ કિલો કરવાથી ભાવમાં સ્થિરતા આવી છે અને ક્વોટા પદ્ધતિ અમલમાં મૂકવાથી બજારની માંગ સામે પુરવઠાની સ્થિતિ જળવાઈ રહે છે. એનો ફાયદો ખેડૂતોને ફાયદો મળેલો છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, આપણી સંસ્થાની પીલાણ સિઝન દરમિયાન 9 લાખ 10 હજાર 255 મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરી સરેરાશ 10.61 ટકાની રિક્વરી સાથે કુલ 9 લાખ 65 હજાર 885 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું છે.