સુરતઃ મોટા વરાછાની પરિણીતા ઈઝરાયલથી ભાઈના લગ્ન માટે સુરત આવી હતી. જોકે, અહીં તેણે આત્મહત્યા કરતાં તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે, મૃતકના પરિવારજનોએ સાસરિયાંના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. મૃતક મોનિકાની એક નણંદ તાપી જિલ્લામાં મામલતદાર છે. તેમ જ નણદોઈ કઠોરમાં સરકારી ડોક્ટર છે. મૃતક મોનિકાએ આત્મહત્યાના એક દિવસ પહેલાં સાસરિયાં મારી નાખશે તેવો પિતાને ફોન કર્યો હતો, જેનો પણ ઓડિયો આવ્યો છે.
આ પણ વાંચોઃ Veraval Doctor Suicide : ડો.ચગની આત્મહત્યા કેસ મામલે પરિવારના નિવેદનો લેવાની થશે શરૂઆત
29 વર્ષીય મહિલાની આત્મહત્યાઃ મળતી માહિતી અનુસાર, મોટા વરાછામાં 29 વર્ષીય મોનિકાએ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે મોનિકાની ત્રણ વર્ષીય બાળકી લોકોને કહી રહી છે કે, તેની માતા ભગવાન પાસે ચાલી ગઈ છે. મોનિકાના પિતા શાંતિભાઈએ સાસરિયાંના 7 સભ્યો વિરૂદ્ધ ફરિયાદ નોધાવી છે. પોલીસે સાસુસસરા અને એક નણંદોઈની ધરપકડ કરી લીધી છે. મોનિકાનો ઓડિયો ક્લીપ પણ સામે આવી છે.
મારા સાસુએ મને કાઈક પીવડાવી દીધુંઃ મૃતક મોનિકાએ તેના પિતા શાંતિભાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારા સાસુ, સસરા અને 2 નણંદ મને જીવવા નહીં દે. બધા મળીને મારો જીવ લઈ લેશે. મોનિકાએ કહ્યું કે, મારા સાસુએ મને કંઈક પીવડાવી દીધું એમ કહીને મોનિકાએ પિતાને હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું.
ત્રણ લોકોની ધરપકડઃ મૃતકનાં પરિવારનો આક્ષેપ છે કે, પતિ ટેનિશ વેકરિયા ઈઝરાયલમાં હીરાનો ધંધો કરે છે. પતિ મારી દિકરીને વારંવાર કહેતો હતો કે, તું મને ગમતી નથી તેને બીજી કોઈ યુવતી સાથે આડા સંબંધો હોવાથી છૂટાછેડા આપવા દબાણ કરી ત્રાસ આપતો હતો. આ મામલે મૃતકની બહેન રિંકલબેને જણાવ્યું હતું કે, સાસરિયાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાય છે. પોલીસે ત્રણ લોકોની ધરપકડ પણ કરી છે. પતિ અને સાસરિયાં પક્ષ દ્વારા આપવામાં આવેલા ત્રાસથી તેને આત્મહત્યા કરી છે. તેને ઘરમાં કંઈક પીવડાવવામાં આવ્યું છે અને તે ચાલતી હોસ્પિટલ ગઈ હતી. ત્યારબાદ તેની તબિયત લથડી હોસ્પિટલ વિરૂદ્ધ પણ એક્શન લેવામાં આવે તેવી અમારી માગણી છે.
પોલીસ દિકરીને ન્યાય આપેઃ મૃતકના કાકા અશોક ભંડેરીએ જણાવ્યું હતું કે, અમે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અમારી દિકરીને ન્યાય મળે આ મારી ઈચ્છા છે. તેને દવા આપીને મારી નાખવામાં આવી છે. પોલીસ અમારી મોનિકા અને તેની દિકરીને ન્યાય આપે. આ કેસમાં તંત્ર વધુ ધ્યાન આપતું નથી એ અમને લાગી રહ્યું છે.
સાસરિયાઓ સામે આત્મહત્યાના દુષ્પ્રેરણાની ફરિયાદઃ ACP આર. પી. ઝાલાએ જણાવ્યું હતું કે, પરિણીતાને ઝેરી દવા પીવડાવવામાં આવી હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવતીના પિતાએ સાસરિયાં સામે આત્મહત્યાના દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. આરોપીમાં મૃતક મોનિકાની એક નણંદ જે, તાપી જિલ્લામાં મામલતદાર અને નણદોઈ કઠોરમાં સરકારી ડોક્ટર છે. ઉત્તરાણ પોલીસે મામલતદાર અને ડોક્ટરની ધરપકડ કરવા માટે અધિકારી પાસે મંજૂરી માગવામાં આવી છે.