માંગરોળ: તાલુકાના વાંકલ ગામે નવરાત્રી પર્વ અને ભારત પાકિસ્તાન મેચ સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ હતી.આગામી તારીખ 14ના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ યોજનાર છે. જેને લઇને ક્રિકેટરસિયાઓમાં અનેરો ઉત્સાહ છે. તેમજ આગામી 15 તારીખના રોજ નવરાત્રી તહેવારનો પ્રારંભ પણ થઈ રહ્યો છે. ત્યારે પ્રજાજનો નિર્ભય બની શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે તે માટે પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે.
ફ્લેગ માર્ચમાં 50થી વધુ પોલીસકર્મીઓ: સમગ્ર વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાઈ રહે એ માટે ઉચ્ચ અધિકારીઓના આદેશથી માંગરોળના પો.સ.ઇ. એચ. આર પઢિયારના નેતૃત્વ હેઠળ વાંકલના સાઈ મંદિરથી બજાર વિસ્તારમાં તેમજ મોસાલી સહિતના મોટા ટાઉનમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચમાં 50થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે સુરત જિલ્લામાં ભૂતકાળમાં ઘણીવાર તહેવારો પર બે કોમ વચ્ચે છમકલાં થઈ ચૂક્યા છે.
લોકોને જરૂરી માહિતી આપવામાં આવી: આ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને સુરત જિલ્લામાં ભાઈચારો રહે તે માટે પોલીસ દ્વારા અલગ અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે. લોકોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. માંગરોળ પોલીસ મથકના પીએસઆઈ એચ.આર. પઢિયાર એ જણાવ્યું હતું કે સુરત રેન્જ આઇજી વી. ચંદ્રશેખર સાહેબ તેમજ સુરત ગ્રામ્ય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. માંગરોળ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ ફરી હતી. લોકોને જરૂરી માહિતી આપવામાં આવી હતી.