સુરત : આ વખતે મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તોને બાબા બર્ફાનીના દર્શન કરવા માટે દૂર જવાની જરૂર નથી. સુરતના રૂંઢનાથ મહાદેવ મંદિરમાં જ બર્ફાનીબાબાના ભવ્ય દર્શન કરવા મળશે. એટલું જ નહીં, આ મંદિરમાં અમરનાથની ગુફાના દર્શનનું આબેહૂબ દ્રશ્ય બનાવવા માટે અયોધ્યામાં રામ મંદિર બનાવી રહેલી એજન્સીના કારીગરો છેલ્લા 15 દિવસથી કાર્યરત છે. જેના કારણે લોકો - 8 ડિગ્રીમાં બાબા બર્ફાનીના દર્શન કરી શકશે.
સુરતના શિવભક્તની ભાવના : આર્થિક અને શારીરિક રીતે કેટલાક લોકો બાબા અમરનાથના દર્શન કરી શકતા નથી. આ જ કારણ છે કે સુરતમાં રહેતા એક શિવભક્તે મહાશિવરાત્રીના પર્વ પર એક એવું ખાસ આયોજન કર્યું છે કે જેના કારણે એવા લોકો સુરતમાં રહીને અમરનાથ ગુફા અને બાબા બર્ફાનીના દર્શન કરી શકશે. લાખો રૂપિયા ખર્ચ કરનાર શિવભક્તે સંપૂર્ણપણે ગુપ્ત રહીને શિવભક્તો માટે આ આયોજન કર્યું છે.
અયોધ્યા રામમંદિરનું કામ કરતી એજન્સી કામે લાગી : સૌથી અગત્યની વાત આ છે કે જે રીતે હાલ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને અનેક એજન્સીઓ આ ભવ્ય નિર્માણ કાર્યમાં લાગી છે. તે જ એજન્સીઓના કારીગરો સુરતમાં બાબા અમરનાથની ગુફા બનાવી રહ્યા છે. સુરતના ડુમસ રોડ ખાતે આવેલ અતિ પ્રાચીન રૂંઢનાથ મહાદેવ મંદિર ખાતે લોકો અમરનાથ ગુફાની અનુભૂતિ કરી શકે તે પ્રકારની ગુફા બનાવવામાં આવી રહી છે.
કાશ્મીરથી બે કબૂતર પણ લવાયા : મંદિરના પૂજારી પંકજ ભારતી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, રૂંઢનાથ મહાદેવ મંદિરમાં 20 ટન એસીના ઉપયોગથી તાપમાન જાળવી રાખવામાં આવશે. તેમજ અહીં કાશ્મીરથી કબૂતરની જોડી પણ લાવાવમાં આવી છે. શહેરીજનો અમરનાથ જેવો જ અનુભવ કરી શકે તે માટે મંદિરમાં અમરનાથની ગુફાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમજ સાડા પાંચ ફૂટ ઘીનું શિવલિંગ તેમજ કાશ્મીરથી બે કબૂતર મંગાવવામાં આવ્યા છે. આ ગુફામાં -8 ડીગ્રી જેટલું તાપમાન હશે. અહી મહાશિવરાત્રીથી ભાવિક ભક્તો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવશે અને હોળી સુધી ભક્તો અહીં દર્શન કરી શકશે.
આ પણ વાંચો Maha Shivratri 2023: મહાશિવરાત્રીના દિવસે ચાર પ્રહરની પૂજાનું શું છે ધાર્મિક મહત્વ, જાણો
મહાશિવરાત્રીએ આખી રાત પૂજાવિધિ : પંકજ ભારતી ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિર મંદિર બનાવનાર એજન્સીના સુરતના 20 જેટલા કારીગરો છેલ્લા ત્રણ સપ્તાહથી કામે લાગ્યા છે. શુદ્ધ ઘીમાંથી બનાવેલી પાંચ ફૂટનું શિવલિંગ ગુફામાં સ્થાપિત કરાશે. અમરનાથમાં હોય છે તેવી ઠંડી અને બરફનો માહોલ બનાવવા ગુફામાં બે એસી મુકાશે. આ સિવાય શિવરાત્રિની સાંજે ચાર પ્રહર પૂજાનું મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયુ છે. જેમાં 17 બ્રાહ્મણ 400 જેટલા ભક્તોને આખી રાત પૂજાવિધિ કરાવશે.