સુરતઃ કોરોના વાયરસના કારણે સૌથી વધુ હાલાકી ખેડૂતોને પડી રહી છે. રાજય સરકાર દ્વારા ફકત આંતર જિલ્લાનાં મજૂરોની આવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આતંર રાજયના મજૂરો માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. સામાન્ય રીતે ડાંગરના પાકની કાપણી માટે મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશથી મજુરો આવતા હોય છે. જો કે, હાલ લોકડાઉનના કારણે આ તમામ મજૂરો દક્ષિણ ગુજરાત આવી શકયા નથી. જેને કારણે ખેડૂતોને વિઘા દીઠ રુ 25 હજારનું નુકશાન સહન કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં 30 હજાર વિઘામાં ડાંગરનો પાક તૈયાર થઇ ગયો છે. જો કે મજૂરોની વાટના કારણે હજી સુધી ખેડૂતોએ પોતાના ડાંગરના પાકની કાપણી શરુ કરી નથી. બીજી તરફ જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામા આવી છે, તેને જોતા જો પહેલા જ સપ્તાહમાં વરસાદ પડશે તો ખેડૂતોને કરોડો રુપિયાનુ નુકશાન સહન કરવાનો વારો આવશે. આ સાથે ખેડૂતોએ મુખ્યપ્રધાન આ અંગે રજુઆત પણ કરી છે, કે અન્ય રાજયમાં વસતા મજુરોને દક્ષિણ ગુજરાત આવવા માટેની વ્યવસ્થા કરવામાં આવે.