અડાજણ વિસ્તારમાં લૂંટારૂ ટોળકી શક્રીય બની હતી અને અડાજણ વિસ્તારમાં લાખોની લુટ કરી હતી. જેમાં 32 તોલા સોનુ, 35 તોલા ચાંદી સહિત 50 હજાર જેટલી રોકડ રકમની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઇ ગયા હતાં. સોસાયટીમાં બનેલી લૂંટની ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યાં સુરત ક્રાઇમ બ્રાંન્ચ સહિત અડાજણ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.
સુરતમાં દિવાળીના તહેવારો દરમિયાન પેટ્રોલિંગના મોટા દાવા કરતી શહેર પોલીસના આ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. જેનો ઉત્તમ દાખલો સુરતના અડાજણ વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યાં પોલીસના પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતી લૂંટની ઘટના સામે આવી છે. સુરતના અડાજણ સ્થિત સમર્પણ સોસાયટીમાં આવેલા દક્ષ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા મોદી પરિવારના સભ્યો પર સ્પ્રે છાંટી બેભાન કરી દેવામાં આવ્યા હતાં. જ્યાં બાદમાં 32 તોલા સોનું, 35 તોલા ચાંદી સહિત રોકડા રૂપિયા 50 ,000 હજારની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ વહેલી સવારે બેભાન અવસ્થામાંથી ઉઠેલા પરિવારના સભ્યોને થઈ હતી. જ્યાં ઘટનાની જાણકારી મળતા સુરત ક્રાઇમ બ્રાંન્ચ સહિત અડાજણ પોલીસે ઘટના સ્થળે પહોંચી CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી.
મોદી પરિવારના મોભી કિરણલાલભાઈ મોદી મેડિકલ સ્ટોર ચલાવે છે અને તેમની પત્ની બ્યુટીપાર્લર ચલાવી પોતાના પુત્રનું ગુજરાન ચલાવે છે. વર્ષોથી પતિ-પત્નીએ પોતાની લાખોની જમા કરેલી પૂંજી ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે લૂંટની ઘટના બાદ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. દિવાળીના સમયે જ પોલિસ ભલે પેટ્રોલીગના મોટા મોટા દાવા કરતી હોય પરંતુ, પોલીસના આ દાવા લૂંટની ઘટના બાદ પોકળ સાબિત થયા છે. જો કે પોલીસ આ લૂંટની ઘટનાનો ભેદ કેટલા સમયમાં ઉકેલી કાઢી આરોપીઓને ઝડપી પાડે છે તે જોવાનું રહ્યું.