સુરતઃ હાલ ભારતભરમાં કોરોમાં વાઇરસની મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોનાની આ લડાઈમાં લોકસમર્થન ખૂબ જ જરૂરી બન્યું છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા લોક ડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમ છતાં લોકો ઘરોની બહાર વગર કોઈ કારણોસર નીકળતા પોલીસ દ્વારા ભારે સમજાવવામાં આવી રહ્યા છે. સુરતની વાત કરવામાં આવે તો કોરોના વાયરસના અત્યાર સુધીમાં પાંચ જેટલા પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે. જેને લઈ સુરત જિલ્લા વહીવટી તંત્ર પણ ખૂબ જ સજાગ બન્યું છે.
સુરત પોલીસ અને મનપા કમિશ્નર જાતે જ શહેરના રાઉન્ડ પર નિકળ્યા છે. જ્યાં શહેરના અલગ-અલગ વિસ્તારોનો ચિતાર મેળવી અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. બીજી તરફ લોક ડાઉનનું ભંગ કરનારાઓ સામે પણ સુરત પોલીસ કમિશ્નર દ્વારા લાલ આંખ કરી કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
પોલીસ કમિશ્નર દ્વારા ભંગ કરનારાઓ સામે કાર્યવાહીથી લઈ વાહન ડિટેઇન કરવા સુધીની વાત જણાવી છે. ગુજરાતમાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ લોકોએ પણ સાવચેતી અને તકેદારી રાખી સમજવાની જરૂર છે. તંત્ર અને શહેર પોલીસની કામગીરીમાં જાહેર જનતાનો સહયોગ કોરોના વાઇરસની આ લડાઈમાં ખૂબ જ જરૂરી છે. જેથી લોકો પોતાના ઘરે જ રહી બહાર નીકળવાનું ટાળી પોલીસ અને વહીવટી તંત્રની કામગીરીમાં સહયોગ આપે તેવી ETV Bharat જાહેર જનતાને અપીલ કરી રહ્યું છે.