સુરત: જીવલેણ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેના પગલે મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધુ આવ્યા છે તે વિસ્તારના કલસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. સ્થાનિક રહેવાસીઓને લોકડાઉનનો કડક અમલ કરવા આહવાન કર્યુ હતું. તેમ છતાં પણ આ વિસ્તારોમાં લોકોની અવરજવર ચાલુ રહેવા પામી હતી. પરિણામે વાઈરસના સંક્રમણથી બચાવવા માટે સુરત શહેર પોલીસ દ્વારા સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવાલાઇન્સ અને લીંબાયત પોલીસ મથકની કમરૂ નગર પોલીસ ચોકી વિસ્તારમાં આગામી 22 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવામાં આવ્યું છે. કરફ્યૂનો કડકપણે અમલ થાય તે માટે ઠેર-ઠેર પોલીસ ખડકી દેવામાં આવી છે.
જે વિસ્તારમાં કરફ્યૂ લાદવામાં આવ્યો છે તેનો કડકપણે અમલ થાય છે કે, નહિં અને છેલ્લા 25 દિવસથી સતત ખડેપગે ફરજ બજાવી રહેલી પોલીસને જુસ્સો મળે તે માટે આજે સવારથી જ ખુદ પોલીસ કમિશનર આર.પી. બ્રહ્મભટ્ટ રાઉન્ડ પર નીકળ્યા હતા અને સમગ્ર વિસ્તારનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન લોકોએ તાળીઓના ગડગડાટ સાથે પોલીસ કમિશ્નરનું સ્વાગત કર્યું હતું. પોલીસ ક્ર્મીશ્નરે ખુદ લોકો સાથે વાત કરી હતી અને તેઓને પડતી સમસ્યાનો ચિતાર મેળવ્યો હતો.