- ગેરકાયદે બિલ્ડીંગનો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે
- માજી નગરસેવક દ્વારા બનાવવામાં આવ્યું છે બિલ્ડીંગ
- પરવાનગી વગર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે
બારડોલી: શહેરની જનતા નગર સોસાયટીમાં નગરપાલિકાના ગત ટર્મના ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન ભીમસિંગ પુરોહિત દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામના પગથિયાંનું ડિમોલિશન કરવામાં આવ્યા બાદ ફરી વખત રાત્રિ કરફ્યૂનો લાભ ઉઠાવીને પગથિયાં બનાવવાનું કામ શરૂ કરતાં સોસાયટીના રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ સમગ્ર પ્રકરણ હાલ હાઇકોર્ટમાં હોવા છતાં ફરી એકવાર ભીમસિંગે રાતોરાત બાંધકામ શરૂ કરતાં વિવાદ ઊભો થયો છે. ઘટનાને લઈ પાલિકા શાસકો પણ સ્થળ પર પહોંચી ગયા હતા.
પાલિકા વૉક-વે બનાવવાની હતી
બારડોલી નગરપાલિકા વિસ્તારમાં જનતા નગર સોસાયટીમાં આચાર્ય તુલસી માર્ગની બાજુમાંથી પસાર થતી ખાડી પર સ્લેબ ભરી પાલિકા દ્વારા જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. જે તે સમયે પાલિકા દ્વારા આ ખુલ્લી જગ્યામાં કમ્પાઉન્ડ વોલ કર્યા બાદ વૉક-વે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે અંગે કારોબારીની બેઠકમાં ઠરાવ પણ કરાયો હતો. જોકે, પાલિકાના જ માજી ભૂગર્ભ ગટર સમિતિના અધ્યક્ષ ભીમસિંગ પુરોહિતે પાલિકાના નાક નીચે બ્લોક નંબર 91 વાળી જગ્યા પરનું મકાન તોડી નવું પરવાનગી વગર પાંચ માળનું કોમર્શિયલ મકાન બનાવી દીધું હતું.
ગત ટર્મમાં કેટલાક ભાગોનું કરાયું હતું ડિમોલિશન
ગત ટર્મના શાસકોએ પગથિયાં સહિતના કેટલાક ભાગોનું ડિમોલેશન પણ કર્યું હતું અને ત્યારબાદ આ મામલે સોસાયટીના હોદ્દેદારોએ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. આવી પરિસ્થિતીમાં ભીમસિંગ પુરોહતે રાત્રિના સમયે ભૂતકાળમાં વહીવટી તંત્રએ ડીમોલિશન કરેલી મિલકતમાં બાંધકામ કરતા સોસાયટીના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
કરફ્યૂ હોવા છતાં રાત્રે શરૂ કરાવ્યું કામ
હાલ જિલ્લામાં નાઈટ કરફ્યૂ હોઈ અને એ સમયે કામ ચાલુ કરતા લોકટોળા ભેગા થઈ ગયા હતા. કોવિડ ગાઈડ લાઈનનો ભંગ થયો હતો. બાંધકામ થઇ રહ્યું હોવાની જાણ થતાં હાલના કારોબારી અધ્યક્ષ નીતિન શાહ અને નગર ભાજપ પ્રમુખ રાકેશ ગાંધી પણ પહોંચી ગયા હતા. અને હાલ પૂરતો આ મામલો થાળે પાડ્યો હતો. પરંતુ પાલિકાના નવા શાસકો આ મામલે સમાધાન ફોર્મ્યુલા અપનાવી ભીમસિંગને ફાયદો કરાવે તેવી પણ ચર્ચા થઈ રહી છે, ત્યારે આવનારા દિવસોમાં આ મુદ્દે વિવાદ વકરે તેવી શક્યતા છે.