સુરત: પોલીસની કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથોસાથ જરૂરતમંદોને લોનસહાય પૂરી પાડવાની સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. ગુજરાતના શહેરો માટે અનુકરણીય પહેલ કરવામાં આવી છે. માત્ર 100 નંબપ પર કોલ કરવાથી હવે સરળતાથી લોન મળી રહેશે. સુરતમાં વિવિધ બેંક અને સહકારી મંડળીઓના સહયોગથી એક જ દિવસમાં 300થી વધુ જરૂરિયાતમંદ નાગરિકોને લોનસહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લોનસહાય મંજૂર કરવામાં આવી: સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરીના ખપ્પરમાં હોમાતા જરૂરિયાતમંદ નાગરિકો સરળતાથી લોનસહાય મળી રહે તે માટે અનોખી પહેલ કરવામાં આવી છે. વ્યાજખોરીના દૂષણને ડામવાના આ નવતર અભિગમના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા જરૂરતમંદ નાગરિકો અને વિવિધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટીઓ, સહકારી અને જાહેર બેંક વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરી રૂપિયા 10 હજારથી લઈ રૂપિયા 3.50 લાખ સુધીની લોનસહાય મંજૂર કરવામાં આવી હતી.
નાબૂદી અમારો સંકલ્પ: આ નવતર પહેલના ભાગરૂપે 300થી વધુ લાભાર્થીઓને લોનસહાયના ચેકનું વિતરણ કેન્દ્રીય રેલ્વે રાજ્યપ્રધાન દર્શના જરદોશ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન મુકેશ પટેલ અને પોલીસ કમિશનર અજય તોમરના હસ્તે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ,અઠવાલાઇન્સ ખાતે આયોજિત સમારોહ- ‘વ્યાજખોરીના દુષણની નાબૂદી અમારો સંકલ્પ’માં કરવામાં આવ્યું હતું.
કડક કાર્યવાહી: આ પ્રસંગે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાંથી વ્યાજખોરોને પાઠ ભણાવવાની ઝુંબેશ ચલાવી મહાનગરો, નગરો અને ગામડાઓ સુધી વ્યાજખોરો વિરુદ્ધ હલ્લાબોલ કર્યું છે. જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે. નાની-મોટી નાણાભીડમાં વ્યાજે પૈસા લેતા અને વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા સેંકડો ગરીબ નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. વ્યાજના વિષધરોને શોધીને કડક કાર્યવાહી કરવામાં આવી છે.
વ્યાજખોરીના 847 કેસ: સામાન્ય માણસ મજબુરીના કારણે વ્યાજે રૂપિયા લઇ વ્યાજના દુષ્ણમાં ફસાઇ જતા પોતાની માલમિલકત ગીરવી મૂકી દેતા હોય છે, ત્યારે આવા પીડિત નાગરિકોને મુક્ત કરવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં વ્યાજખોરીના 847 કેસ નોંધી 1000થી વધુ લોકોને વ્યાજના દુષણમાંથી મુક્ત કરાયા છે.
લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું: શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, 2000 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે 300 લોકોને લોન આપવામાં આવી છે. ગુનાહિત અને અસામાજિક તત્વોથી સમાજને સુરક્ષિત રાખી સલામત રાષ્ટ્રનિર્માણ કરવાની જવાબદારી પોલીસ વિભાગ નિભાવે છે. દરેક વિપરીત પરિસ્થિતિમાં નાગરિકોની સાથે રહી પોલીસ ડ્રગ્સના દૈત્યને નાથવા, બળાત્કારીઓને સજા અપાવવામાં, અનેક પ્રકારની ગુનાખોરી નાથવા કટિબદ્ધ છે, ત્યારે શહેર પોલીસની આ નવતર કામગીરી અન્ય શહેરો માટે પ્રેરણાસ્રોત બની રહેશે.
સુરત પોલીસે શ્રેષ્ઠ કામગીરી થકી સુરતને વધુ સુરક્ષિત અને સલામતીનું વાતાવરણ નિર્માણ કરવા સાથે સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. સામાન્ય રીતે ગુનાખોરી અટકાવવા માટે પોલીસ વિભાગ કાર્યરત રહે છે, પરંતુ સુરત પોલીસે ક્રાઇમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે, ત્યારે બેંક પાસેથી મેળવેલી લોનના નાણા બેંકને સમયસર પરત કરીને અન્યોને પણ પ્રેરણા પૂરી પાડવાનો સાંસદએ સર્વે લોનધારકોને અનુરોધ કર્યો હતો.---સી.આર.પાટીલ (પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સાંસદ)
વિવિધ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડતી બેંકોની નાણાકીય કામગીરી પ્રશંસાને પાત્ર છે. સુરત પોલીસની કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથોસાથ સામાજિક જવાબદારીરૂપ જરૂરતમંદોને લોનસહાય પૂરી પાડવાની આ સંવેદનશીલ પહેલ દરેક શહેરો માટે અનુકરણીય છે. આમ નાગરિકો સાથે વિશ્વસનીયતાનો સેતુ બાંધી પોલીસની ઈમેજ બદલવામાં મોટું યોગદાન પૂરૂ પાડ્યું છે, એમ જણાવી પોલીસની સમાજલક્ષી કામગીરીને બિરદાવી હતી.---દર્શનાબેન જરદોશ (કેન્દ્રીય રેલ્વે રાજ્ય પ્રધાન)