- IPS ઉષા રાડા સુરત જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડન્ટ છે
- ઉષા રાડામાં ખાખી વર્દીની અંદર જીવદયા પ્રેમીનો ભાવ પણ જોવા મળે
- બે અગત્યના નિર્ણય ચાર્જ લેતાની સાથે જ લીધા હતા
સુરત : ગુજરાતની મહિલા સિનિયર IPS ઉષા રાડા હાલ સુરત જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડન્ટ છે. જ્યારથી તેઓએ સુરત જિલ્લાનો ચાર્જ લીધો છે ત્યારથી ક્રાઇમ પર લગામ લાગી છે. જિલ્લામાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બનાવી રાખવાની સાથોસાથ તેઓ પોતાના જિલ્લામાં રહેનાર લોકોની પણ ખૂબ જ કાળજી રાખે છે. આ જ કારણ છે કે તેઓએ બે અગત્યના નિર્ણય ચાર્જ લેતાની સાથે જ લીધા હતા. લોકોને આત્મહત્યા કરવાથી રોકી તેમને નવું જીવનદાન આપવાનો નિર્ણય. જે અંગે ઉષા રાડાએ ETV Bharatને જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં ઘણા બધા લોકોને આત્મહત્યાનો વિચાર આવે છે, આવા લોકો કોઇપણ ખોટું પગલું ન ભરે તે માટે અમે દરેક મહત્વની જગ્યાએ બોર્ડ લગાવીને પોલીસ નંબર આપ્યા હતા. જેમાં ઉચ્ચ અધિકારીઓના નંબર પણ સામેલ હતા. જેથી અમે તેમનું કાઉન્સિલિંગ કરીને તેમને ફરીથી આવી પરિસ્થિતિમાં આત્મહત્યા ન કરવા માટે સુજાવ આપી શકીએ અને ઘણા બધા કેસોમાં અમે સફળ પણ રહ્યા છીએ.
અંતરિયાળ વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝનની મુલાકાત
IPS ઉષા રાડાએ જણાવ્યું કે, જિલ્લાના સિનિયર સીટીઝનો માટે પણ એક અનોખી પહેલ કરવામાં આવી છે. પોલીસ મહેકમના દરેક પોલીસકર્મી મહિનાના એક દિવસના એક કલાક સિનિયર સીટીઝન માટે કાઢે. જેના કારણે સિનિયર સિટીઝનોને ઘણો લાભ થયો છે. અમે અંતરિયાળ વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝનના પણ ઘરે પણ ગયા છીએ. તેમના રહેવા અને તેમની મેડિકલ ટ્રીટમેન્ટ માટેની પણ અમે ચિંતા કરતા હોઈએ છીએ.
ગાય અને વાછરડાની દેખરેખ તેઓ પરિવારના સભ્યોની જેમ કરે છે
પોલીસ તેમના સખ્ત સ્વભાવ અને અનુશાસન માટે જાણીતી છે. પરંતુ આ શબ્દો પાછળ પણ જીવદયા પ્રેમીનો ભાવ ખાખી વર્દીની અંદર જોવા મળે છે. તેઓ પોતાના નિવાસસ્થાને ગૌશાળાનું નિર્માણ કર્યું છે. જેમાં ગીર ગાય અને વાછરડાની દેખરેખ પરિવારના સભ્યોની જેમ કરે છે. તેઓએ ETV Bharatના માધ્યમથી અપીલ કરી છે કે, જે લોકો ફાર્મ હાઉસ ધરાવે છે તેઓ એક તરછોડેલી ગાયને ત્યાં રાખે જેથી એક દિવસ શહેરમાં પાંજરાપોળની જરૂર પડે નહીં.
પરિવારના સહયોગ વગર અસંભવ
અંગત જીવન અંગે તેઓએ જણાવ્યું હતું કે, કોઈપણ મહિલા જ્યારે સમાજમાં સશક્ત હોય ૨૪ કલાકની નોકરી કરતી હોય તે ચોક્કસથી આ પરિવારના સહયોગ વગર અસંભવ છે. પરિવારના સહયોગ વગર કોઈ મહિલા માટે સતત પોતાના પ્રોફેશન માટે પ્રયત્નશીલ રહેવું શક્ય નથી. મારો પરિવાર હંમેશા અમારા કાર્યમાં મદદ કરવા માટે તત્પર રહે છે.
મહિલાઓને જાતે પોતાની ઓળખ ઊભી કરવી જોઈએ
તેઓએ ETV Bharatના શક્તિ વંદના કાર્યક્રમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, શક્તિના મહાપર્વ પર આ કાર્યક્રમ ખૂબ જ પ્રશંસનીય છે. મહિલાઓને જાતે પોતાની ઓળખ ઊભી કરવી જોઈએ. અગાઉ નવરાત્રિનું જે મહત્વ હતું તેને ખુબ સરસ રીતે આજના યુવાઓ પણ રજુ કરતા હોય છે. મહિલાઓ સશક્ત બને અને નવરાત્રિનો જે મુખ્ય ઉદ્દેશ છે તે પૂરો પાડે એ જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ કોવિંદ દ્રાસમાં સૈનિકો સાથે દશેરાની કરશે ઉજવણી
આ પણ વાંચો : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અધધ.. વધારો, જાણો તમારા શહેરના રેટ