સુરત: મહાનગર પાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. વિપક્ષે ભાજપની સત્તા સામે વિરોધ નોંધાવ્યો હતો અને રજૂઆતો પણ કરી હતી. આ વચ્ચે વિપક્ષ દ્વારા આરોપ કરાયો છે કે વિરોધ કરી રહેલા વિપક્ષના મહિલા નગરસેવકોને ભાજપના કોર્પોરેટર અને ગાર્ડન સમિતિના સભ્ય વૃજેશ ઉનડકટ અને ઘનશ્યામ મકવાણા દ્વારા અલગ અલગ ટિપ્પણીઓ કરી અપમાનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગાર્ડન સમિતિની બેઠક યોજવામાં આવી હતી ત્યારે ભાજપના નગરસેવક વૃજેશ ઉનડકટ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પહોંચ્યા હતા. વિપક્ષ નેતા અને મહિલા નગર સેવકોએ તેમનું વિરોધ કર્યો હતો અને બંગડી આપવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ બંગડી તેમની ઉપર ફેંકી હતી.
આ સંદર્ભે વિપક્ષના નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, મહિલા નગરસેવકો અને સંગઠનની મહિલાઓ દ્વારા ભાજપના નગર સેવક બ્રિજેશ ઉનડકટનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમને બંગડી આપવામાં આવી કારણ કે તેઓ આગામી સમયમાં મહિલાઓની અપમાન કરવાનું બંધ કરે. તેઓએ સામાન્ય સભામાં વિપક્ષની મહિલા નગર સેવકો ઉપર અલગ અલગ ટિપ્પણી કરી અપમાન કર્યું હતુ.
ભાજપના કોર્પોરેટર ઉનડકટએ ટેલીફોન ETV Bharat ને જણાવ્યું હતું કે, મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ મારા હોબાળો મચાવવામાં આવી રહ્યો હતો ત્યારે મહિલા કોર્પોરેટરો વગર કોઈ કારણ વિરોધ નોંધી રહ્યા હતા. હું માત્ર તેમને હંસાબેન ભરતભાઈ પરમાર જ કીધું હતું. આજે પણ જ્યારે તેઓ વિરોધ કરી રહ્યા હતા ત્યારે મેં એમને એટલું જ કહ્યું કે હું તમારી છેડતી નથી કરી, કોઈ અશબ્દ નથી કહ્યા તો શા માટે વિરોધ કરી રહ્યા છો?