સુરત : ડાયમંડ સિટી સુરતમાં એક અનોખો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. લાજપોર જેલ દ્વારા ગત 19 ઓગસ્ટના રોજ વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી હોલ ખાતે બંધીવાનો દ્વારા રચિત પેઇન્ટિંગ્સનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પેઇન્ટિંગ્સનું વેચાણ પણ કરવામાં આવતું હતું. ત્યારે સુરતના બે ઉદ્યોગપતિઓએ બંધીવાન દ્વારા નિર્મિત બધા જ ચીત્રોને લાખોની કિંમત આપી ખરીદી લીધા હતા.
જેલમાં છુપાયેલ કલા : લાજપોર જેલ દ્વારા આયોજીત પેઇન્ટિંગ્સના પ્રદર્શનમાં બે ઉદ્યોગપતિએ 11,07,700 રૂપિયામાં બંધીવાન દ્વારા રચિત તમામ 130 પેઇન્ટિંગ ખરીદી લીધા હતા. ઉલ્લેખનિય છે કે, લાજપોર જેલના બંધીવાન દ્વારા રચિત પેઇન્ટિંગ્સના પ્રદર્શનનું ઓપનિંગ રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે તેઓએ ત્યાં હાજર ઉદ્યોગપતિઓને અપીલ કરી હતી કે, આપ સૌ આ તમામ પેઇન્ટિંગ જોવાની સાથે ખરીદજો જરૂર. જેને અનુસરીને આજરોજ સુરતના બે ઉદ્યોગપતિઓ દ્વારા પ્રદર્શનમાં મૂકવામાં આવેલ તમામ 130 પેઇન્ટિંગ ખરીદી લેવામાં આવ્યા હતા.
ચિત્ર પ્રદર્શન : આ તમામ પેઇન્ટિંગ્સ જેલના કેદીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. દરેક પેઇન્ટિંગ કંઈને કંઈ કહેવા માંગે છે તે જોઈ શકાય છે. તેઓને કઈ પરિસ્થિતિમાં આ વિચારો આવ્યા અને આ પેઇન્ટિંગ્સ બનાવ્યા હશે તે ખુબ જ મહત્વનું છે. આ તમામ પેઇન્ટિંગ્સ 53 બંધીવાનો દ્વારા બનાવામાં આવ્યા હતા. તેમની કિંમત 2 હજારથી 25 હજાર સુધીની હતી.
આ બંધીવાનોની જે પેઇન્ટિંગ્સ ખરીદી છે તે આપણે કોઈને ગિફ્ટ આપીએ તો આપણને શું ફાયદો થાય, તેનાથી મોટીવેશન મળે. જેથી મને આ બાબતનો ખ્યાલ આવ્યો અને કેપિ ફાઉન્ડેશન દ્વારા 130 પેઇન્ટિંગ ખરીદી લઈએ. જેને અમે ખરીદી પણ લીધી છે. -- ફારૂક અબ્દુલ્લા (ઉદ્યોગપતિ)
ગૃહપ્રધાન દ્વારા અપીલ : આ ચિત્ર પ્રદર્શનમાં રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હું જાણું છું કે આપ સૌ લોકો ઇન્વેસ્ટર છો. આ પાંચ પચીસ હજારનું પેઇન્ટિંગ હોય છે. પરંતુ તમારા માટે મનની અંદર એનું મૂલ્ય કરોડો રૂપિયાનું બની શકે છે. આ પેઇન્ટિંગ્સને તમે માત્ર નામ અથવા બ્રાન્ડથી નથી જોતા. આ પેઇન્ટિંગ્સને કયા વ્યક્તિ દ્વારા કયા સમયમાં, કયા પરિસ્થિતિમાં કેવા વિચારો આવ્યા છે. તેમના દ્વારા રચાયેલા આ પેઇન્ટિંગ્સ છે. એની બ્રાન્ડ તમે સૌએ બનાવાની છે. આ 130 પેઇન્ટિંગમાંથી એક પણ પેઇન્ટિંગ્સ બચવાનું નથી. કારણ કે, આ સુરત શહેર છે. સુરત શહેરના નાગરિકો સામાજિક સેવાઓમાં આ દેશમાં પહેલા નંબરે હોય છે. કોરોના, અર્થકવેક, પ્લેગ રોગ જેવી પરિસ્થિતિમાં સુરત શહેરના લોકો સૌથી પહેલા સમાજ સેવા કરવા માટે આગળ આવે છે.
પ્રેરણાદાયી કાર્ય : હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, આ 130 પેઇન્ટિંગ બદલ તમારા દ્વારા આપવામાં આવેલા જે પણ રકમ હશે તે રકમ રાજ્ય સરકારમાં આવવાની નથી. તે રકમમાંથી 50 ટકા રૂપિયા તે બંદીવાનને ડાયરેક્ટ મળશે. જેના થકી તે પૈસા તેમના પરિવારના ગુજરાન માટે કામ આવશે. ઉપરાંત 50 ટકા રૂપિયા તે બંદીવાનના બીજા બધા કામ હોય તેમાં વાપરવામાં આવશે. અહીં જેટલા પણ વેપારીઓ બેઠા છે તે તમામને વિનંતી છે કે, દિવાળીમાં આ સ્ટેજ પર બેઠેલા તમામ લોકોને ભેટ નહીં મોકલશો તો ચાલશે તેનાથી કોઈ ફરક પણ પડવાનો નથી. તે ભેટ માત્ર આપણે આપનું પીઆર સ્ટ્રોંગ કરવા માટે રાખતા હોઈએ છીએ. અહીંયા બેઠેલા વ્યક્તિઓની બુકે કે ભેટ મોકલશો નહીં તો ચાલશે, પરંતુ આજના દિવસે તમે જ્યારે અહીં આવ્યા છો ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે, જતા જતા તમે પોતાના માટે એક પેઇન્ટિંગ્સ લેજો અને બીજું એક પેઇન્ટિંગ્સ તમે તમારા પી.આર સ્ટ્રોંગ કરવા માટે લેજો.
બધા ચિત્રો વેચાઈ ગયા : આ બાબતે ઉદ્યોગપતિ ફારૂક અબ્દુલ્લા જણાવ્યું કે, જેલના બંધીવાનો દ્વારા જે પેઇન્ટિંગ્સ બનાવવામાં આવી છે. તેનું રાજ્ય ગૃહ પ્રધાન દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલા ઉદબોધન કર્યું હતું કે, જે દિવાળી વખતે આપણે સૌને ગિફ્ટ આપીએ છીએ તો એ ગિફ્ટ પણ એવું આપવું તેનાથી સમાજને ફાયદો થાય તેવું તેમણે ઉદાહરણ આપ્યું હતું. આ વાતથી પ્રેરણા લઈને અમે ચિત્રોની ખરીદી કરી છે.