સુરત: 'ધી ઇન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા' દ્વારા ગત ડિસેમ્બર-2019માં લેવામાં આવેલી ઇન્ટરમીડીએટ અને ફાઇનલના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ફાઇનલના પરિણામમાં સુરતનાં કુશાગ્રે દેશમાં 25મો ક્રમ અને રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે અંકુશ જૈને દેશમાં 50મો ક્રમ મેળવ્યો છે.
સમ્રગ દેશમાં 25મો ક્રમ અને રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવનાર કુશાગ્રે શ્રેષ્ઠ પરિણામ અંગે જણાવ્યું હતુ કે, શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે તેણે અભ્યાસનું ભારણ ઘટાડવા માટે સંગીતનો સહારો લેતો હતો. ઘણી વખત ગિટાર વગાડવા અને સંગીત સાંભળીને હળવાશથી અભ્યાસ કરતા કરતા તેણે દેશમાં 25મો ક્રમ મેળવ્યો હતો.
'ધી ઇન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા' દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં ફાઉન્ડેશનનાં અભ્યાસક્રમનું પરિણામ 92 ટકા જયારે ઇન્ટરમીડીએટનું 41 ટકા અને ફાઇનલનું પરિણામ 37 ટકા નોંધાયું છે. ઇન્ટરમીડીએટના અભ્યાસક્રમનાં સુરતના પરિણામમાં સુરતની સોનમ અગ્રવાલે દેશમાં 20મો ક્રમ, રૂષાલી અંકુર ગાંધીએ 46મો ક્રમ મેળવ્યો છે. જયારે ફાઇનલની પરીક્ષા આપનાર કુશાગ્રએ દેશમાં 25મો ક્રમ અને અંકુશ જૈનએ દેશમાં 50મો ક્રમ મેળવ્યો છે.
શહેરમાં પ્રથમ ક્રમ મેળવનાર મુળ રાજસ્થાનનાં કુશાગ્રએ જણાવ્યું હતુ કે. તેણે ધોરણ-12 સુધીનો અભ્યાસ મુંબઇની સ્કૂલમાં કર્યો હતો. ત્યારબાદ સુરત સ્થાયી થયા હતા. પિતા ટેક્ષટાઇલ ઇન્ડ્સ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે. ઉચ્ચ પરિણામ મેળવ્યા બાદ કુશાગ્રે વધુમાં જણાવ્યું હતુ કે, પરિણામ પાછળ ભાગવાના સ્થાને હળવુ મન રાખીને અભ્યાસ કરવો જોઇએ. મગજ ઉપર અભ્યાસનું ભારણ નહીં રહે તો ધાર્યું પરિણામ મેળવી શકાય છે. કુશાગ્રએ વધુમાં જણાવ્યું હતુ કે. અભ્યાસનું ભારણ ન રહે તે માટે તે ગિટાર વગાડી અન્યથા સંગીત સાંભળીને મન હળવું કરી લેતો હતો.
ઉલ્લેખનીય છે કે, સી.એનાં અભ્યાસક્રમની સમક્ષ ગણાતા સી.એમનાં અભ્યાસક્રમમાં પણ વિદ્યાર્થીઓ વધુ રસ દાખવી રહ્યા છે. સુરત સાઉથ ગુજરાત ચેપ્ટરના ચેરમેન બ્રિજેશ માળી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોના કારણે સી.એમ.ના વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. સાથે જ સુરતનાં પરિણામની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઇ રહી છે.