સુરતઃ ઓલપાડના સેગવાછા ગામમાં રહેતા ખેડૂત પુત્ર દેવાંશ કુડો માર્શલ આર્ટનો એક ગોલ્ડ મેડાલિસ્ટ ચેમ્પિયન છે. આ માર્શલ આર્ટનો એશિયા કપ તુર્કીમાં યોજાવાનો છે. જેમાં ભારતનું પ્રતિનિધિત્વ દેવાંશ કરવાનો છે. દેવાંશ ભારત માટે ગોલ્ડ મેડલ જીતવા માટે બહુ ઉત્સુક છે.
પુત્રના લક્ષણ પારણામાંઃ ઓલપાડ તાલુકાના નાનકડા ગામ સેગવાછામાં રહેતા ખેડૂત જિગ્નેશકુમાર રામુભાઈ પટેલના ઘરે દેવાંશનો જન્મ થયો. દેવાંશને નાનપણથી અન્ય રમતો કરતા માર્શલ આર્ટમાં બહુ રસ હતો. તે નાનપણથી જ માર્શલ આર્ટ પ્રત્યે આકર્ષિત હતો. તે માર્શલ આર્ટમાં નાનપણથી જ પરાક્રમ કરતો હતો. તેના માતા પિતાએ દેવાંશના શોખને પોષીને માર્શલ આર્ટ ચેમ્પિયન બનાવવાનું નક્કી કર્યુ. પાંચ વર્ષનો હતો ત્યારથી જ દેવાંશને કુડો માર્શલ આર્ટની ટ્રેનિંગ મળવાની શરુ થઈ ગઈ હતી.
અતિશય સંઘર્ષઃ ઓલપાડના નાનકડા ગામ સેગવાછામાં માર્શલ આર્ટનું નામ કોઈએ સાંભળ્યું નહતું. તેમાંય કુડો માર્શલ આર્ટ વિશે તો કોઈને કલ્પના પણ નહતી. આ સમયે માતા પિતાએ દેવાંશને ઘરથી 20 કિમી દૂર અડાજણમાં કુડો માર્શલ આર્ટની ટ્રેનિંગ માટે મોકલવાનું નક્કી કર્યુ. અઠવાડિયામાં બે દિવસ માતા પિતા નાનકડા દેવાંશને લઈને 20 કિમી દૂર લઈ જઈને કુડો માર્શલ આર્ટની ટ્રેનિંગ અપાવી રહ્યા છે. અઠવાડિયાના આ બે દિવસ દેવાંશની સાથે માતા પિતા પણ બેથી ત્રણ કલાકનો સમય ફાળવે છે. આ ઉપરાંત રોજ દેવાંશ બે કલાક કુડો માર્શલ આર્ટની પ્રેક્ટિસ પણ કરે છે. એક માર્શલ આર્ટ ચેમ્પિયન હોવાની સાથે દેવાંશ આઈએએસ ઓફિસર બનવાની પણ તમન્ના ધરાવે છે.
સિદ્ધિઓઃ નાનકડા દેવાંશ માટે કુડો માર્શલ આર્ટ એક પેશન છે. તેણે કુડો માર્શલ આર્ટમાં સખત પરિશ્રમ કરીને અનેક સિદ્ધિઓ મેળવી છે. જેમાંથી તાજેતરમાં દેવાંશે મેળવેલ ત્રણ ગોલ્ડ મેડલનો ઉલ્લેખ કરવો જરુરી છે. 14મી કુડો નેશનલ ચેમ્પિયન શિપ. 4થો કુડો ફેડરેશન કપ અને 15મી અક્ષયકુમાર કુડો માર્શલ આર્ટ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ્સ જીત્યા છે. આ સિદ્ધિથી દેવાંશે માત્ર ઓલપાડ-સુરતનું જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતને ગૌરાન્વિત કર્યુ છે. આ ઉપરાંત તુર્કીમાં યોજનારા એશિયા કપમાં કુડો માર્શલ આર્ટ ચેમ્પિયનશિપમાં માત્ર 6 વર્ષનો દેવાંશ ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છે.
હું તુર્કીમાં યોજાનાર એશિયા કપમાં કુડો માર્શલ આર્ટ ચેમ્પિયન શિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો છું. હું ભારતને ગોલ્ડ મેડલ અપાવવા બહુ ઉત્સુક છું. હું આઈએએસ ઓફિસર બનવા માંગું છું...દેવાંશ(કુડો માર્શલ આર્ટ ચેમ્પિયન, સુરત)
દેવાંશને માર્શલ આર્ટમાં બહુ રસ હતો. તે પાંચ વર્ષનો હતો ત્યારથી જ અમે તેને કુડો માર્શલ આર્ટની તાલીમ આપવાનું શરુ કરી દીધું. મને ખૂબ ગર્વ છે કે દેવાંશ એક ખેડૂત પુત્ર હોવા છતાં આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે...જિગ્નેશ પટેલ(દેવાંશના પિતા, સુરત)
અમારા ગામમાં અંગ્રેજી માધ્યમની શાળા નથી તો માર્શલ આર્ટ ક્લાસીસ તો ક્યાંથી હોય. અમે અઠવાડિયામાં બે દિવસ ઘરથી 20 કિમી દૂર દેવાંશને માર્શલ આર્ટની ટ્રેનિંગ અપાવવા લઈ જઈએ છીએ. મને આશા છે કે તે ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરશે...દીપિકા પટેલ(દેવાંશના માતા, સુરત)