સુરત: જિલ્લાની કીમ પોલીસે બનાવતી ઘી બનાવવાની ફેક્ટરીને ઝડપી પાડી છે.કીમ પોલીસને બાતમી મળી હતી કે કુડસદ ગામની સીમમાં ભાથીજી મંદિરની સામે આવેલ જગ્યામાં મેહુલ ગોપાળભાઈ પટેલ નામનો ઇસમ તબેલાની આડમાં બનાવેલ ફેકટરીમાં બનાવતી ઘી બનાવી તેનું પેકિંગ કરી વેચાણ કરી રહ્યો છે. જે ચોક્કસ બાતમી આધારે કીમ પોલીસે રેડ કરી હતી. અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને જાણ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો.
તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી ફેક્ટરીનો માલિક મેહુલ પટેલ માર્કેટમાંથી જથ્થાબંધ વનસ્પતિ ઘી તૈયાર લાવતો હતો. અને તે વનસ્પતિ ઘીમાં પોતાની ગૌ શાળામાં બનતા માખણમાંથી તૈયાર થયેલ ઘી અને તેની સાથે પામોલીન તેલ ઉમેરતો હતો. બાદમાં ઘી ચોખ્ખું દેખાઈ તે માટે કલર ઉમેરી તેને ગરમ કરી પ્લાસ્ટિકનાં ડબ્બામાં પેક કરતો હતો. જે ડબ્બા પર કામધેનુ ડેરી ફાર્મ શુદ્ધ દેશી ઘીના સ્ટીકરનું પેકિંગ કરી માર્કેટમાં વેચાણ કરતો હતો. જે બનાવેલ બનાવટી ઘીના અલગ અલગ નમૂનાઓ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત ગ્રામ્ય DYSP બી કે વનાર એ જણાવ્યું હતું કે કીમ પોલીસે 1 કિલો વાળી પ્લાસ્ટિકની દેશી ઘી ભરેલી બોટલો નંગ 1072 જેની કિંમત રૂપિયા 12,97,120/- ,સુમન ગોલ્ડ રિફાઇન્ડ પામોલીન ઓઇલ તેલના ડબ્બા નંગ 17 કિંમત રૂપિયા 34,000/- ,સ્ટીકર વગરના 11 પામોલીન તેલના ડબ્બા કિંમત રૂપિયા 22,000/- ,સુમન પ્રીમિયમ બ્રિડ રિફાઇન્ડ પામોલીન તેલના 32 બોક્ષ કિંમત રૂપિયા 30,000/- , ગેસના બાટલા, તપેલા, કેન, ઇલેક્ટ્રિક મશીન તેમજ બરણી મળી કુલ 14,37,970 /- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.