- દલાલ મારફતે મહારાષ્ટ્રની યુવતી સાથે કર્યા હતા લગ્ન
- પોલીસે ફરિયાદના આધારે 10 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો
- 15 દિવસ પછી દાગીના અને રોકડ લઈને ઘરેથી ભાગી ગઈ દુલ્હન
બારડોલી: મૂળ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મોટાસુરકા ગામના રહેવાસી, હાલ સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલી મીરા રેસીડન્સીમા રહેતા નરેશ શાંતિભાઈ રામાનુજ ડી.જે સાઉન્ડ સિસ્ટમનો વ્યવસાય કરે છે. ગત ડિસેમ્બર માસમા ભાવનગર ખાતે હીરા મજૂરી કરતાં તેમના મિત્ર પ્રદીપભાઇ કાળુભાઇ રાજપૂતનો ફોન નરેશ ઉપર આવ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, તારે લગ્ન કરવા છે લગ્ન કરવા હોય તો નાસિક બાજુ તારું સેટિંગ કરાવું છું, તેમ કહેતા નરેશભાઇએ હા પાડી હતી.
ધરમપુરમા નક્કી થયા હતા લગ્ન
ત્યારબાદ વાત આગળ ચાલી હતી. પ્રદીપ રાજપૂતે તેના મિત્ર રાજુ પરસોત્તમભાઈ કોળી જે ગોલારા, અમદાવાદમાં રહે છે તેઓ સાથે કામરેજ આવ્યા હતા. અને તેના મારફતે તેજા ભરવાડની સાળી સાથે લગ્ન કરી આપવાની વાત કરી હતી. અને છોકરી જોવા માટે વલસાડના ધરમપુર ખાતે જોવા જવાનું નક્કી કર્યું હતું. 29 ડિસેમ્બરના રોજ પ્રદીપ રાજપૂત અને રાજૂ કોળી તેમજ તેજા ભરવાડ, ભગવાન ભરવાડ સાથે ધરમપુર ગયા હતા. જ્યાં મહાદેવ ફળિયામા એક ઘરમા નરેશને લઈ ગયા હતા. ત્યાં પ્રજ્ઞા નામની યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કરાયું હતું. ત્યાં પ્રજ્ઞાની બહેન સંગીતા તેના પતિ તારકભાઈ પ્રજ્ઞાના દાદા તેમજ તેના સંબંધી જીગરભાઈ તથા ગોવિંદભાઈ રબારીની પત્ની હાજર હતા. થોડા સમય બાદ પ્રજ્ઞા ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ બંનેના લગ્ન નક્કી થયા હતા. તે પેટે 5100 રૂપિયા અને શ્રીફળ નરેશે ગોવિંદભાઇની પત્નીને આપ્યા હતા. નરેશ પાસે પ્રજ્ઞાના સેથામા સિંદુર પુરાવ્યું હતું.
આ પણ વાંચોઃ લૂંટેરી દુલ્હન જૂનાગઢ પોલીસના સકંજામાં, બોગસ લગ્ન કરી ઠગાઈ બાદ યુવતી હતી ફરાર
લગ્ન પેટે વરરાજાએ 1.65 લાખ રૂપિયા આપ્યા હતા
લગ્ન પેટે 1.65 લાખ રૂપિયા આ તમામ વ્યક્તિ કામરેજ આવ્યા હતા ત્યારે તે દિવસે લઈ ગયા હતા. ત્યારબાદ આ તમામ વ્યક્તિ પોતાના ઘરે જતાં રહ્યા હતા. 21 જાન્યુઆરીના રોજ નરેશ અને પ્રજ્ઞાના સામાજિક રીતિરિવાજ મુજબ લગ્ન કરવામા આવ્યા હતા. આ સમયે માત્ર પ્રદીપ રાજપૂત જ હાજર રહ્યો હતો. પ્રજ્ઞાના કોઈ સંબંધી હાજર રહ્યા ન હતા.
4 ફેબ્રુઆરીએ ઘરેથી ભાગી ગઇ હતી
ગત 4 ફેબ્રુઆરીના રોજ પ્રજ્ઞાને આપેલી સોનાની બુટ્ટી, ચાંદીના સાકળા, ચાંદીની વીંટી, એક મોબાઈલ ફોન લઈ કોઈને કંઇપણ કહ્યા વગર નરેશના ઘરેથી રફુચક્કર થઈ ગઈ હતી. ત્યારબાદ નરેશ અને તેના પરિવારે અવાર નવાર પ્રજ્ઞાનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કર્યો હતા. પરંતુ તેમનો સંપર્ક નહીં થતાં આખરે નરેશે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં કામરેજ પોલીસ સ્ટેશનમા 10 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
આ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો
1. પ્રદીપ કાળુભાઇ રાજપૂત (રહે, મુંડીગામ, તા-ધોલેરા, જી-અમદાવાદ)
2. રાજુભાઇ પરસોત્તમભાઈ કોળી (રહે, ગોલાળાગામ, તા-તારાપુર, જી-અમદાવાદ)
3. તેજાભાઈ ગગજીભાઈ ભરવાડ (રહે, રોણીગામ, તા-ખંભાત)
4. ભગવાન ભરવાડ (રહે, રોણીગામ)
5. પ્રજ્ઞાબેન વસંતભાઈ રાઉલ
6. સંગીતાબેન તારકભાઈ રાવલ (રહે, ધરમપુર, જી-વલસાડ)
7. તારકભાઈ રાવલ (રહે, ધરમપુર, જી-વલસાડ)
8. જીગરભાઈ મહેશભાઇ પટેલ (રહે, ધરમપુર, જી-વલસાડ)
9. ગોવિંદભાઈ રબારીની પત્ની
10. પ્રજ્ઞાબેનની માસીની પુત્રી
આ પણ વાંચોઃ વડોદરામાં પિતાના અંતિમ સંસ્કાર પતાવી તરત જ યુવતી વિધર્મી યુવક સાથે ભાગી