સુરત: છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સુરત જિલ્લાના જળાશયોમાં ભારે પાણીની આવક થઇ છે. જેને પગલે ઉપરવાસમાં તેમજ માંડવી તાલુકામાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો હતો. આ કાકરાપાર ડેમની કુલ 160 ફૂટ ઊંચાઈ છે. હાલ આ કાકરાપાર ડેમ પર 161.10 ફુટથી પાણી વહી રહ્યું છે.
ડેમનો અદભૂત નજારો: માંડવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતો કાકરાપાર ડેમ ઓવરફ્લો થઈ જતા માંડવી તાલુકાના ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. ડેમ ઓવરફ્લો થતાં ડેમના આહ્લાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યોનો નજારો જોવા સ્થાનિકો બહોળી સંખ્યામાં આવી રહ્યાં છે. હવે સિંચાઇના પાણી માટે હવે સ્થાનિક ખેડૂતોને વલખાં નહિ મારવા પડે તેવી સૌ કોઈને આશા બંધાઈ છે.
અમારે માટે આ ડેમ આશીર્વાદ રૂપ છે. લાંબા સમયથી અમે રાહ જોતા હતા કે આ ડેમ સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે હાલ ડેમ ભરાઈ જતાં અમારી ચિંતામાં ઘટાડો થયો છે. અમારા માટે આ વર્ષ સારું જશે તેવી અમને અપેક્ષા છે. - સંજય, સ્થાનિક ખેડૂત
લાખી ડેમ ઓવરફ્લો: માંડવી તાલુકાના લાખી ગામ ખાતે દરવાજા વિનાનો ડેમ આવેલો છે. આ લાખી ડેમની પુર્ણ સપાટી ૭૩.૨૫ મીટર પહોચી હતી. હાલમાં આ લાખી ગામ ડેમ તેની કુલ સંગ્રહશક્તિના 80% જથ્થો પાણીથી ભરાયેલ છે. જેથી આ લાખી ડેમની હાલની સપાટી એલર્ટ સ્ટેજના લેવલે ભરાઈ ગયેલો છે. વરસી રહેલા ભારે વરસાદને લઈને લાખી ડેમની સપાટી ગમે તે સમયે પુર્ણ સપાટી ૭૪.૧૦ મીટર પહોચીંને ઓવરફલો થવાની શકયતા વર્તાઈ રહી છે.
લાખી ગામ ડેમના હેઠવાસમાં આવેલા અસરગ્રસ્ત ગામોમાં કમલકુવા, બેડધા, ભાતખાઈ, સરકુઈ, માણક ઝર, રખાસ ખાડી અને લાખગામ ગામોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગ રૂપે તલાટી કમ મંત્રીઓએ પોલિસ ગાર્ડને અસરગ્રસ્ત ગામોમાં હાજર રાખવા સૂચનો કરવામાં આવ્યા છે. - ડિઝાસ્ટર મામલતદાર, સુરત