સુરત: જિલ્લામાં વરસાદી માહોલ અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો હતો. ઉકાઈ ડેમમાંથી હાલ 1.93 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં કાકરાપાર ડેમ છલકાયો હતો. ઉકાઈ ડેમમાં 1.98 લાખ ક્યુસેક આઉટ ફ્લો છે.જ્યારે 4.98 લાખ ઇન ફ્લો છે.
નયનરમ્યો દ્રશ્યો સર્જાયા: કાકરાપાર ડેમની પૂર્ણ સપાટી 160 ફૂટ છે. જ્યારે હાલ ડેમ 169 ફૂટ સપાટીએ જતાં 9 ફૂટ ઉપરથી ઓવરફ્લો થઈ રહ્યો છે. જેથી ડેમમાં દર કલાકે પાણીની આવક વધતી જોવા મળી રહી છે. ડેમમાં પાણીની આવક શરૂ થતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. ડેમ ઓવરફ્લો થતાં તંત્ર પણ એલર્ટ બન્યું હતું. ઉકાઈ ડેમ પ્રભાવિત માંડવી તાલુકાના 21 ગામોને હાલ એલર્ટ કરાયા છે. પશુપાલકોને નદી પટમાં જવા મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સતત પાણીની આવક થતાં ડેમમાં નયનરમ્યો દ્રશ્યો પણ સર્જાયા હતા.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને ઉકાઈ ડેમમાં ભારે પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ જાળવવા તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે માંડવી તાલુકાનો કાકરાપાર ડેમ પણ છલકાઈ ગયો છે. - તેજસ ચૌધરી, કાકરાપાર ડેમના નાયબ કાર્યપાલક
જળાશયોમાં નવા નીર: દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વરસાદ વરસશે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જે આગાહી સાચી ઠરી છે. ગતરોજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને બફારાથી આંશિક રાહત થઈ હતી. વરસાદને પગલે રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. તેમજ માંગરોળ તાલુકાના લોકોની જીવાદોરી સમાન જળાશયોમાં નવા નીર આવવાનું શરૂ થયું હતું.
લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ: થોડા દિવસ અગાઉ માંડવી તાલુકાના મુંજલાવ અને બૌધાન ગામ વચ્ચે પસાર થતી વાવ્યા ખાડીમાં મોટી માત્રામાં નવા નીરની આવક થઈ હતી. જેને પગલે ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. વાવ્યા ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં એક ગામથી બીજા ગામોનો સીધો સંપર્ક તૂટી ગયો હતો. વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.