બારડોલી: સુરત ગ્રામ્યના કડોદરા GIDC પોલીસ મથકના PI આર.એસ.પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ તેમની જગ્યાએ મૂકવામાં આવેલા જે.એ. બારોટની 24 કલાકમાં બદલી કરી લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા છે.
શું હતો સમગ્ર મામલો: 8મી સપ્ટેમ્બરના રોજ કડોદરાના ક્રિષ્નાનગરમાં રહેતા 12 વર્ષીય શિવમનું અપહરણ કરી અપહરણકર્તાઓએ 15 લાખની ખંડણી માગી હતી. આ અંગે શિવમના પિતાએ કડોદરા GIDC પોલીસને જાણ કરી હતી. આ ઘટનામાં ક્રેડિટ લેવાના ચક્કરમાં સ્થાનિક પોલીસની બેદરકારી છતી થઈ હતી. બાળકને શોધી નહીં શકેલી સ્થાનિક પોલીસે એક આરોપી ઉમંગને પકડી પૂછપરછ કરતા બાળકની હત્યા કરી દેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. બાળકનો મૃતદેહ ઉંભેળ ગામની સીમમાંથી મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસની ઢીલી તપાસને કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
આર.એસ.પટલેની જગ્યાએ બારોટને મુકાયા: બુધવારના રોજ કડોદરા GIDCના પી.આઈ. આર.એસ.પટેલને સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. તેમની જગ્યાએ એ.એચ.ટી.યુ. પીઆઈ જે.એ. બારોટ કડોદરા પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જ્યારે એએચટીયુનો વધારાનો હવાલો મહિલા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર સી.બી.ચૌહાણને સોંપવામાં આવ્યો છે.
24 કલાકમાં જ PIની લીવ રિઝર્વમાં બદલી: જો કે જે.એ.બારોટ કડોદરાનો ચાર્જ સાંભળતાના 24 કલાકમાં જ તેમની બદલી લીવ રિઝર્વમાં કરી દેવામાં આવી છે. હવે કડોદરામાં જિલ્લા એલ.આઇ.બી.માં ફરજ બજાવતા જે.ડી. વાઘેલાને કડોદરા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. તેમની જગ્યાએ રીડર શાખાના પોલીસ સબ ઈન્સ્પેકટર પી.એચ.નાયીને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
'આ કેસ સંવેદનશીલ છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. તેમાં જિલ્લાના સૌથી અનુભવી તેમજ કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે સાંભળી શકે અને તપાસ પણ સારી રીતે જોઈ શકે એવા અધિકારીને મૂકવાની વાત ધ્યાન પર આવી હતી. આથી તેમની બદલી કરી જિલ્લાના સૌથી સિનિયર પોલીસ ઈન્સ્પેકટરને કડોદરા પોલીસ મથકમાં મુકવામાં આવેલ છે.' - હિતેશ જોયસર, જિલ્લા પોલીસ વડા, સુરત ગ્રામ્ય
સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ: ગુરુવારે મોડી સાંજે કડોદરા PIની આગેવાનીમાં કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં બારડોલી ડિવિઝનના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓનો મોટો કાફલો આ કોમ્બિગ પ્રક્રિયામાં જોડાયો હતો. કોમ્બિગ દરમિયાન કડોદરા પોલીસ સ્ટેશન મથકના કડોદરા, તાંતીથૈયા, વરેલી, ચલથાણના સંવેદનશીલ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.