બારડોલી: સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી પાર્સલ અને મનીટ્રાન્સફરની દુકાનમાંથી બાળકો સાથે આવેલી 6 જેટલી મહિલાઓ 9.16 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને રફુચક્કર થઈ ગઈ હતી. આ ઘટનાની તપાસ કરી રહેલી બારડોલી ટાઉન પોલીસે કડોદરા પોલીસ સાથે મળી તમામ 6 મહિલાઓને ઝડપી પાડી હતી.
ભીખ માંગવાના બહાને ચોરી: નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલી હરિનગર સોસાયટીમાં રહેતા ચેતનભાઈ મનસુખભાઇ શાહ બારડોલીના સ્ટેશન રોડ પર આવેલ ગાયત્રી ચેમ્બર્સમાં વિદેશ પાર્સલ અને મનીટ્રાન્સફરની દુકાન ચલાવે છે. બપોરના સમયે તેમની દુકાનમાં 6 જેટલી મહિલાઓ નાના બાળકો સાથે ઘુસી ગઈ હતી અને ખાવાનું તેમજ કપડાંની માગણી કરી હતી. આથી ચેતને તેને બહાર કાઢવાનો પ્રયાસ કરતા 6 પૈકીની એક મહિલાએ ચેતનભાઈની નજર ચૂકવી દુકાનના કાઉન્ટર પર મુકેલી લેપટોપ બેગ કે જેમાં રૂપિયા 9.16લાખ મુકેલ હતા તે અને કેટલાક કપડાં લઈને ભાગી ગઈ હતી.
6 મહિલાની ધરપકડ: તમામ મહિલાઓ દોડતી સ્ટેશન રોડ તરફ ભાગી ગયા બાદ પલાયન થઈ જતા તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે ચેતનભાઈએ બારડોલી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે નાકાબંધી કરવાનો મેસેજ કર્યો હતો. દરમ્યાન બારડોલી ટાઉન પોલીસ અને કડોદરા જીઆઇડીસી પોલીસે સંકલનમાં રહી આ મહિલાઓને કડોદરા નજીક રિક્ષામાંથી પકડી લેવામાં આવી હતી. પોલીસ પૂછપરછ કરતાં મહિલાઓએ બારડોલીના મની ટ્રાન્સફરની ઓફિસમાંથી રૂપિયા ભરેલી બેગ અને કપડાંની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો: Ahmedabad News: નરોડા રોડ પર ધોળે દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ઘટના CCTVમાં કેદ
મહિલાઓનો ગુનાહિત ઇતિહાસ: કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસના પી.આઈ. આર.એસ.પટેલે જણાવ્યું હતું કે કંજર ગેંગની આ મહિલાઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તમામ મહિલાઓ સામે અલગ અલગ પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે. કંજર ગેંગની મહિલાઓ બાળકો સાથે ભીખ માંગવાના બહાને પોતાના એક સમૂહમાં એકલવાયા વેપારીને ટાર્ગેટ કરે છે. અને તેમની પાસેના કાળા કપડાંની આડશ ઊભી કરીને નજર ચૂકવી કીમતી સામાન, રોકડ કે મોબાઇલ ફોનની ચોરી કરી જાય છે. આ ઉપરાંત આ મહિલાઓ જ્યારે પણ પોલીસના હાથે પકડાય છે ત્યારે તેઓ સાચી ઓળખ આપતી નથી. તેમજ પોલીસ તપાસમાં સહકાર ના આપી પોલીસને ગેરમાર્ગે દોરે છે.
આ પણ વાંચો: રેવ પાર્ટી કરવા માટે ગુજરાત સહિત દેશમાં અલગ અલગ રાજ્યોમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ
9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત: પોલીસે તમામ 6 મહિલાની ધરપકડ કરી તેમની પાસેથી ચોરી કરેલા 9.16 લાખ રૂપિયા રોકડા, 760 રૂપિયા અંગત વપરાશના તેમજ કપડાં મળી કુલ 9 લાખ 16 હજાર 760 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગેંગ ગુનાહિત ઇતિહાસ ધરાવતી કંજર (સલાટ)ગેંગ હોવાનું પોલીસે જણાવ્યુ હતું.