સુરત: જુનિયર કલાર્કનું પેપર ફૂટવાનો મામલો રાજ્યભરમાં ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. પેપર લીક થતાની સાથે જ હવે વિદ્યાર્થી સંગઠનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. પેપર લીક થતા જ રાજ્યભરમાં મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓનો વિરોધ જોવા મળ્યો હતો. કારણ કે આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ ઘણા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા અને પરીક્ષા કેન્દ્ર પર જઈને પેપર લીક થયું છે તેવું સાંભળીને તેમને ખૂબ જ દુઃખ થયું હતું. એટીએસ પોલીસ દ્વારા પેપર લીક મામલે વડોદરાથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી એક આરોપી સુરતનો છે જે ઈચ્છાપુર વિસ્તારમાં રહે છે. હાલ પોલીસ દ્વારા તેમના પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા પૂછપરછ: સૂત્રો માહિતી અનુસાર આરોપી નરેશ મોહંતી જે સુરત શહેરના હજીરારોડ ઉપર આવેલ ઈચ્છાપુર ગામમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહે છે. તે ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે નોકરી પણ કરે છે. ઘણા સમયથી તે ઘરે પણ આવ્યો નથી. જોકે જયારે જુનિયર કલાર્કનું પેપર લીક થયું છે. એમાં નરેશ મોહંતીની મહત્વની ભૂમિકા હોઈ શકે છે. જોકે આ પેપર લીકનો મુખ્ય સૂત્રધાર આરોપી ઓરિસ્સાનો છે અને નરેશ મોહંતી પણ ઓરિસ્સાનો જ છે. હાલ તો મામલે પોલીસ દ્વારા નરેશના પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો Junior Clerk Paper Leak Case: પેપર લીક મામલે પરીક્ષાર્થીઓમાં આક્રોશ, ATS એ 15 શકમંદોની કરી ધરપકડ
ગુજરાતની બહારથી ચાલતું હતું સમગ્ર કૌભાંડ: નરેશ થોડા દિવસ પહેલાથી જ કોઈ કામ અર્થે બહાર જાય છે તેમ પરિવારને જણાવ્યું હતું અને પેપર લીક કરનારી ટોળકીમાં પણ નરેશ સક્રિય હતો તેવું જાણવા મળ્યું છે. તે આ ટીમના સંપર્કમાં સતત રહેતો પણ હતો. હાલ તો પોલીસ પણ ઝડપથી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે. આ કેસના તાર ગુજરાત બહાર સંકળાયેલા હોવાનું ખુલ્યું છે. પેપર ખરીદ-વેચાણનો વેપલો થાય તે પહેલા જ મોટો ભાંડો ફૂટી ગયો છે.
9 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફર્યું: ગુજરાતમાં આજે રદ્દ થયેલા જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટે 9 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વિવિધ સેન્ટરો પર ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચી ગયા હતા કે જઈ રહ્યા હતા ત્યારે તેમને પેપર ફૂટવાના સમાચાર મળ્યા છે. આ કારણે રાજ્યભરમાં ઉમેદવારો હોબાળો કરી રહ્યા છે