- સાઇબર ક્રાઇમ આચરતી ઝારખંડની ગેંગને સુરત પોલીસે ઝડપી લીધી
- 6 આરોપીની ધરપકડ
- એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો
સુરત : સચીન GIDC પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન ઝારખંડની એક ગેંગ ઇચ્છાપોરની હદમાં ભાડે મકાન રાખી છૂપાયેલી હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે સચીન GIDC પોલીસની ટીમ કામે લાગી હતી. જે દરમિયાન સુરત પોલીસે સફાર મોહમ્મદ બશીર અન્સારી, અશરફ અલી અન્સારી, અબ્દુલ ગફાર મોહમ્મદ બસીર અન્સારી, મોહમ્મદ અબ્દુલ સફિક મિયા અન્સારી, મોહમ્મદ સિરાજુદ્દીન નિઝામુદ્દીન અન્સારી અને અકબર અજીમ મિયા અન્સારીને ઝડપી લીધા હતા.
સફાર અન્સારી સાઇબર ક્રાઇમમાં 10 મહિનાની જેલ ભોગવી ચૂક્યો છે
પોલીસે આરોપીઓ પાસેથી કાર ઉપરાંત 4 મોબાઇલ ફોન અને રોકડા 42,855 અને 8 સિમ કાર્ડ મળી કુલ 6.5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ તમામ 15 દિવસ પહેલા જ સુરત આવ્યા હતા. સુરતમાં હાલ ઇચ્છાપોર ખાતે ભાડે મકાન રાખી રહેતા હતા. આગામી દિવસમાં સુરતમાં ઓફિસ શરૂ કરવાનું આયોજન કરી સાયબર ક્રાઈમને અંજામ આપવાના હતા. પકડાયેલા આરોપી પૈકી સફાર અન્સારી થોડા દિવસ પહેલા જ સાઇબર ક્રાઇમના ગુનામાં 10 મહિનાના જેલવાસ ભોગવી છૂટી આવ્યો હતો. આ સિવાય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે ઘટનાની વધારે તપાસ હાથ ધરી છે.
ગુગલ પે જેવી મોબાઈલ એપમાં બનાવી ટ્રાન્ઝેક્શન કરી ગુના આચરતા હતા
આ આરોપીઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું છે કે, તેમને ભેગા મળી છેલ્લા છ મહિનાથી ઝારખંડ ખાતેથી વિવિધ રાજ્યોના મોબાઈલ કોડ ગુગલ દ્વારા સર્ચ કરતા હતા. તેની પાછળના કોઈપણ છ નંબર્સ એડ કરી કોલિંગ કરતા હતા અને બેન્કમાંથી બોલીએ છીએ કહીને વિવિધ બહાના હેઠળ ફસાવતા હતા. તમારું ATM કાર્ડ બ્લોક થઈ ગયું છે, તેમને લકી ડ્રો લાગ્યો છે, જેવી લોભલાલચ આપી લોકોને વાતોમાં ભોળવતા હતા. ઘણા લોકોને મેસેજ દ્વારા લિંક મોકલી તેમના બેંક ખાતાની માહિતી મેળવી ATM કાર્ડના સોલડ ડિજિટના નંબર તથા CVV નંબર મેળવી લેતા હતા અને બેંક ખાતાધારકની જાણ બહાર પે ટીએમ, ફોન પે,ગુગલ પે જેવી મોબાઈલ એપ મારફતે ટ્રાન્ઝેક્શન કરી ગુના આચરતા હતા.