સુરત: કોરોનાકાળમાં લોકો પર્વની ઉજવણી કરી શકતા નથી. ભક્તો માટે મંદિરો બંધ છે. ભક્તો ભગવાનથી દૂર છે, હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આમ તો કોરોના વોર્ડમાં દર્દીઓ માનસિક તણાવમાં જોવા મળે છે, પરંતુ સુરતમાં જન્માષ્ટમીના પર્વ પર અનોખી રીતે ઉજવણી કરતા કોરોના દર્દીઓ નજરે પડ્યા હતાં.
કોરોના સંક્રમણથી પીડાતી પાંચ વર્ષીય બાળકી શ્રીકૃષ્ણના રૂપમાં નજર આવી હતી. સુરતના અલથાન વિસ્તારમાં અટલ સંવેદના કોવિડ સેન્ટરમાં ડૉક્ટર મેડિકલ સ્ટાફ અને દર્દીઓએ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. શ્રદ્ધા સાથે સુરતની અટલ સંવેદના કોરોના હોસ્પિટલમાં આજે ધામધૂમથી કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી.
સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે, કોરોનાથી પીડાતી માત્ર પાંચ વર્ષની દીકરી વર્ષા સિંહાએ શ્રી કૃષ્ણનું રૂપ ધારણ કરી જાણે તમામ દર્દીઓમાં હકારાત્મકતાની ઊર્જા સંચાર કર્યો હતો. વર્ષા શ્રી કૃષ્ણ બની તમામ દર્દીઓ સાથે ગરબા પણ રમતી જોવા મળી હતી.