સુરત: કોરોના વાઈરસની મહામારી સામે સમગ્ર દેશના તબીબો, નર્સ, સફાઈ કર્મચારીઓ પોતાની રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના મેયર તેમજ તબીબી ડીગ્રી ધરાવતા જગદીશ પટેલ હવે કોરોના વોરિયર્સ તરીકે આગળ આવ્યા છે. મેયરે સુરત સ્મીમેર હોસ્પિટલના કોરોના વાઈરસ વોર્ડમાં સેવા આપવા માટેની તૈયારી દર્શાવી છે.
સુરતના મેયર જગદીશ પટેલે ETV Bharat ને જણાવ્યું કે, હાલ કોરોનાની મહામારી સામે સમગ્ર દેશના તબીબો, સરકારી કર્મચારીઓ, હોસ્પિટલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ સહિતના લોકો પોતાની રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે દેશના એક જવાબદાર નાગરિક તરીકે મારી પણ ફરજ બને છે કે, કોરોનાની આ લડાઈમાં આગળ આવી તંત્રને જોઈએ તેટલી સેવા પૂરી પાડી શકાય છે. સુરત સ્મીમેર હોસ્પિટલમાં હાલ કોરોના માટેનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
સુરત મેયરે વધુમાં જણાવ્યું કે, કોરોના વોર્ડમાં જરૂર હોય તેટલી સેવા કરવા માટે હું તત્પર રહીશ. એક તબીબ તરીકે શક્ય બને તેટલી હું સેવા પૂરી પાડીશ. શહેરના દરેક નાગરિકોને પણ અપીલ છે કે, કોરોનાની આ લડાઈમાં પોતાની રીતે યોગદાન આપી એક જવાબદાર નાગરિક બને અને કોરોનાના સંક્રમણને રોકવા તમામ લોકોએ સાથ-સહકાર આપવુ જરૂરી છે.